• સોમવાર, 29 જૂન, 2026

પોરબંદરમાં સરકારી રોડ કામમાં ધમકી અને રૂપિયા ઉઘરાવવાના આપ જિલ્લા મહામંત્રી સામે આરોપ

કોન્ટ્રાક્ટરને ફોન અને સાઇટ પર જઈને કામ રોકવાની અને ખોટા કેસમાં ફસાવવાની ચેતવણી આપવાની ફરિયાદ નોંધાવાઈ

પોરબંદર,તા.28 : જિલ્લામાં બગવદર પોલીસ મથકે એક ગંભીર ફરિયાદ નોંધાઈ છે, જેમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે, આમ આદમી પાર્ટીના પોરબંદર જિલ્લા મહામંત્રી હિતેશ મોઢવાડિયા દ્વારા એક કોન્ટ્રાક્ટરને સરકારી રોડના કામ દરમિયાન ધમકી આપી રૂપિયા ઉઘરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

ફરિયાદ મુજબ, નથુભાઈ અરજણભાઈ બોખીરિયાની કન્સ્ટ્રક્શન પેઢીને સરકારની ટેન્ડર પ્રક્રિયા હેઠળ મોઢવાડા-દેડકીયા રોડનું કામ મળ્યું હતું. કામ નિયમોનુસાર ચાલી રહ્યું હતું ત્યારે તેમને ફોન કરીને તથા સાઇટ પર આવીને ધમકીઓ આપવામાં આવી હતી. ‘જો પૈસા નહીં આપો તો કામ અટકાવી દેવામાં આવશે, ખોટા કેસમાં ફસાવી દેવામાં આવશે અને આખી જીંદગી જેલમાં જવું પડશે’ તેવી ચેતવણીઓ આપવામાં આવી હતી. ઉપરાંત સાઇટ પર હાજર સુપરવાઇઝરને પણ દબાણ કરીને રૂપિયા માંગવાની અને કામના વિડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કરીને બદનામ કરવાની ધમકી આપવાનો આક્ષેપ થયો છે. કામના કેટલાક ભાગોને નુકસાન પહોંચાડીને સોશિયલ મીડિયા પર ખોટી માહિતી પ્રસારિત કરવામાં આવી હતી, જેના કારણે કંપનીને આર્થિક નુકસાન થયું હોવાનું કહેવાય છે. આ સમગ્ર મામલે કોન્ટ્રાક્ટરે બગવદર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે અને પુરાવાઓ એકત્રિત કરવામાં આવી રહ્યા છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક