• સોમવાર, 29 જૂન, 2026

જૂનાગઢમાં શીતળા કુંડ માટે લોકોએ જ કર્યો શ્રમયજ્ઞ, તંત્રની નિક્રિયતા સામે જનઆક્રોશ

વર્ષોથી અવગણના અને પ્રદૂષણથી ત્રસ્ત સ્થાનિકોએ ‘હર હર મહાદેવ’ના નાદ સાથે રસ્તો ઊંડો ઉતારી પાણી રોકવા કામગીરી શરૂ કરી

જૂનાગઢ,તા.28 : શહેરના ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ ધરાવતા શીતળા કુંડની સતત અવગણનાથી સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. કુંડમાં લાંબા સમયથી ગટરનું ગંદુ પાણી અને વરસાદી પાણી ભળતા તેની પવિત્રતા ખંડિત થઈ રહી હતી. ઉપરાંત નજીકના શિવાલય સહિત અન્ય મંદિરો સુધી પણ ગંદુ પાણી પહોંચતું હોવાથી શ્રદ્ધાળુઓમાં અસંતોષ વધ્યો હતો.

સ્થાનિકોએ અનેકવાર મહાનગરપાલિકા, કોર્પોરેટર અને સંબંધિત તંત્રને રજૂઆતો કરી હતી, પરંતુ માત્ર વાયદાઓ મળ્યા અને કોઈ સ્થાયી ઉકેલ ન આવ્યો. ધારાસભ્ય તરફથી ગ્રાન્ટની આશા પણ આપવામાં આવી હતી, પરંતુ જિલ્લા સંકલન બેઠકમાં ગ્રાન્ટ મંજૂર ન થતાં લોકોમાં ભારે નિરાશા ફેલાઈ છે. આ પરિસ્થિતિથી કંટાળી સ્થાનિકોએ અંતે સ્વેચ્છાએ જ શ્રમયજ્ઞ શરૂ કર્યો. ગટર અને વરસાદી પાણી સીધું કુંડમાં ન જાય તે માટે લોકોએ રસ્તાને ખોદીને નીચે ઉતારવાનું કામ હાથ ધર્યુ છે. ‘માગે પુરી કરો’ના નારા અને ‘હર હર મહાદેવ’ના જયઘોષ સાથે લોકોએ કામગીરી શરૂ કરી હતી. સ્થાનિકોનું કહેવું છે કે આ માત્ર વિકાસનો મુદ્દો નથી પરંતુ આસ્થાનો પ્રશ્ન છે. શીતળા કુંડની પવિત્રતા જાળવવી એ સૌની જવાબદારી છે. લોકોનું માનવું છે કે તંત્રની બેદરકારીને કારણે તેમને આ પગલું લેવા મજબૂર થવું પડયું છે. હવે મુખ્ય માગ છે કે શીતળા કુંડના નવીનીકરણ માટે તાત્કાલિક ગ્રાન્ટ મંજૂર કરવામાં આવે અને કાયમી ઉકેલ સાથે રિનોવેશનનું કામ ઝડપથી શરૂ કરવામાં આવે.

 

ઇ-પેપરના નવા શુલ્ક