બેઝમેન્ટમાં કામ કરતી વખતે પાલખ સાથે વીજ વાયર અડકતા કરંટ ફેલાયો અને ત્રણેય નીચે પડયા
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ,તા.27 : અમદાવાદમાં સોલા
વિસ્તારમાં આવેલી આત્મન ગ્રાન્ડયુઅર નામની બાંધકામ સાઇટ પર ભોંયરામાં કામ કરતા 17 વર્ષના
સગીર સહિત ત્રણને કરંટ લાગતા મૃત્યુ નીપજ્યા છે. મળતી માહિતી અનુસાર બેઝમેન્ટમાં કામ
કરતી વખતે કામ માટે બનાવેલી પાલખ સાથે વીજ વાયર અડક્યો હતો. જેના કારણે કરંટ ફેલાયો
હતો અને ત્રણેય ઉપરથી નીચે પડયા હતા. જેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવતા
સારવાર દરમિયાન ત્રણેયના મૃત્યુ થયા હતા. સોલા પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોતનો ગુનો
દાખલ કરવામાં આવ્યો છે.
પોલીસ સૂત્રોના જણાવ્યાનુસાર
મૂળ રાજસ્થાનના ડુંગરપુરના રહેવાસી શિવા બામનીયા (ઉ.વ.21), વિકાસ પારગી (ઉ.વ.17) અને
રાહુલ બામનીયા (ઉ.વ.19) સાંજના સમયે કન્સ્ટ્રકશન સાઈટના બેઝમેન્ટમાં કામ કરી રહ્યા
હતા. પાલખ લગાવેલી હતી તેના ઉપર ચડી અને કામ કરતા હતા ત્યારે અચાનક જ ત્યાં લગાવેલો
એક વીજ વાયર પાલખને અડક્યો હતો અને વાયર ખુલ્લો હોવાના કારણે લોખંડની પાલખ હોવાથી તેમાં
પ્રસરી ગયો હતો.
કરંટ પ્રસરતા જ આ ત્રણે મજૂરો
નીચે પડયા હતા, જેના કારણે તેમને ગંભીર ઇજાઓ થઈ હતી. સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં
ખસેડવામાં આવ્યા હતા. જોકે સારવાર દરમિયાન ત્રણેયનું મૃત્યુ થયું હતું. ઘટનાની જાણ
સોલા પોલીસને કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળ ઉપર પહોંચી હતી. પોલીસે હાલમાં અકસ્માત
મોત નોંધીને તપાસ શરૂ કરી છે.