• રવિવાર, 28 જૂન, 2026

સુરત રેલવે સ્ટેશને તેજસ એક્સપ્રેસમાંથી રૂ.10 કરોડના કોકેઈન સાથે મુંબઈનો યુવક ઝડપાયો નાઈઝીરીયન નાગરિકે 25 હજારમાં મુંબઈ ટ્રોલી બેગ પહોંચાડવાનું નક્કી કર્યું હતું

(ફૂલછાબ ન્યુઝ)

સુરત,તા.27: દિલ્હીથી મુંબઈ જતી તેજસ રાજધાની એક્સપ્રેસ ટ્રેનમાંથી સુરત ડીઆરઆઈની ટીમે બાતમીના આધારે ઓપરેશન હાથ ધરીને એક મુસાફરને રૂપિયા 10 કરોડની કિંમતના શુદ્ધ કોકેઈન સાથે રંગેહાથ ઝડપી પાડ્યો છે. પકડાયેલા આરોપીની ઓળખ નવી મુંબઈના નેરુલ વિસ્તારમાં રહેતા 37 વર્ષીય ફૈઝલ સૈયદ તરીકે થઈ છે.

ડીઆરઆઈને ચોક્કસ બાતમી મળી હતી કે ટ્રેન માર્ગે દિલ્હીથી મુંબઈ મોટા પાયે ડ્રગ્સની હેરાફેરી થઈ રહી છે. જેના આધારે અધિકારીઓની ટીમે સુરત રેલ્વે સ્ટેશન પર તેજસ એક્સપ્રેસ ટ્રેનના કોચ નંબર બી-5 માં તપાસ કરી હતી. ટ્રેનમાં મુસાફરી કરી રહેલા ફૈઝલ સૈયદની હિલચાલ શંકાસ્પદ જણાતા તેની ટ્રોલી બેગની તલાશી લેવામાં આવી હતી. બેગના ગુપ્ત ખાનામાંથી છુપાવીને રાખેલા બે કિલોગ્રામ શુદ્ધ કોકેઈનના ત્રણ પેકેટ મળી આવ્યા હતા, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત અંદાજે રૂ.10 કરોડ થાય છે.

આરોપીની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે, દિલ્હીમાં એક નાઇજીરીયન નાગરિકે તેને આ ટ્રોલી બેગ આપી હતી અને મુંબઈ પહોંચાડવા માટે કેરિયર તરીકે રૂપિયા 25 હજાર આપવાનું નક્કી કર્યું હતું. ડીઆરઆઈએ આરોપીની ધરપકડ કરી નાર્કોટિક્સ એક્ટ હેઠળ ગુનો નોંધી, વધુ તપાસ માટે કોર્ટમાંથી તેના એક દિવસના રિમાન્ડ મેળવી પકડાયેલ કોકકેઈનનુ મુંબઈનાં કલેક્શન કોણ લેવાનું હતું તે દિશામાં પૂછપરછ શરૂ કરી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક