કોવાયા ગામે પરપ્રાંતીય યુવક પર જીવલેણ હુમલાની ઘટનાના રિપોર્ટ બાદ સરકારનો કડક નિર્ણય
(ફૂલછાબ ન્યુઝ)
અમરેલી, તા.27 : રાજુલા તાલુકાના
કોવાયા ગામે થોડા દિવસ પહેલાં પરપ્રાંતીય યુવક પર જીવલેણ હુમલો કરીને તેનો ભોગ લેનારા
ચારેય સિંહોને હવે ક્યારેય જંગલમાં પરત છોડવામાં નહીં આવે. તપાસમાં ચારેય સિંહોમાં
માનવભક્ષી વર્તનની પુષ્ટિ થતાં સરકારે તેમને જીવનભર કાયમી કેદમાં રાખવાનો નિર્ણય લીધો
છે. ઘટના બાદ વનવિભાગે તાત્કાલિક કાર્યવાહી કરીને ચારેય સિંહોને રેસ્ક્યૂ કરી જાફરાબાદના
બાબરકોટ એનિમલ કેર સેન્ટરમાં ઓબ્ઝર્વેશન હેઠળ રાખ્યા હતા. ત્યારબાદ તેમના લોહી સહિતના
વિવિધ સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. મળેલા રિપોર્ટમાં ચારેય સિંહો માનવભક્ષી
હોવાનું સ્પષ્ટ થતાં સમગ્ર અહેવાલ રાજ્ય સરકારને મોકલવામાં આવ્યો હતો. સરકારની મંજૂરી
મળ્યા બાદ હવે ચારેય સિંહોને જંગલમાં છોડવામાં નહીં આવે. અંતિમ પ્રક્રિયા પૂર્ણ થયા
બાદ તેમને જૂનાગઢ ખાતે ખસેડવામાં આવશે, જ્યાં તેઓ કાયમી ધોરણે રહેશે.
વનવિભાગના અધિકારીઓના જણાવ્યા
મુજબ, માનવજીવન માટે જોખમરૂપ સાબિત થયેલા જંગલી પ્રાણીઓને ફરી કુદરતી રહેઠાણમાં છોડવામાં
આવતા નથી. આ નિર્ણયથી ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ અટકાવવામાં મદદ મળશે. કોવાયા ઘટનાને
પગલે માનવ-સિંહ સંઘર્ષનો મુદ્દો ફરી ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે.