• મંગળવાર, 07 જુલાઈ, 2026

ગૃહ ઉદ્યોગ-નાના કારીગર ઋજઝના દાયરામાં : મોટાં બોજથી ભારે સમસ્યા


સરકારે જોબવર્કની વ્યાખ્યા સ્પષ્ટ અને પારદર્શી બનાવવી જોઇએ : કરોડો કારીગરોને અસર

 

રાજકોટ,તા.6: (ફૂલછાબ ન્યૂઝ) ગૃહ અને લઘુ ઉદ્યોગો વડે રોજગાર સર્જનને સરકાર પ્રોત્સાહન આપી રહી છે પરંતુ પરોક્ષ રીતે તેમના પર જીએસટીનો તોતીંગ બોજ આવી પડયો હોય પોતાનો ધંધો-ઉત્પાદન છોડીને નોકરી કરવા મજબૂર બનવું પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ગુજરાતમાં દોઢથી બે કરોડ જેટલા નાના કારીગરો, ગૃહ ઉદ્યોગ સંચાલક કે લઘુઉદ્યોગોને અસર થાય તેમ છે.

ગુજરાતમાં અસંખ્ય ઉત્પાદનો એવા છેકે તે બિનસંગઠિત રીતે નાના કે ગૃહ ઉદ્યોગ દ્વારા તૈયાર થાય છે. એમાં કાપડ, એમ્બ્રોડરી, જરી, ઇમિટેશન, ઝવેરાત ઉત્પાદન, ચાંદી કામ જેવા અસંખ્ય ઉદ્યોગોને સમાવવામાં આવે છે. મુખ્ય ઉત્પાદક  પોતાના કારખાનામાં ઉત્પાદન પ્રક્રિયા કરે છે ત્યારે આંતરિક મજૂરી પર જીએસટી લાગતો નથી. જોકે સ્વતંત્ર ગૃહ ઉદ્યોગો, જોબવર્કરો કે કારીગરોને ઉત્પાદક દ્વારા કામ સોંપવામાં આવે ત્યારે જોબવર્કના ચાર્જ પર 18 ટકા સુધી જીએસટી વસૂલાત કરવાની પ્રક્રિયા શરૂ થાય છે. આ રીતે સ્વતંત્ર કારીગરો પર જીએસટીનો બોજ આવી પડયો છે.

ગુજરાત ટ્રેડર્સ ફેડરેશનના પ્રમુખ જયેન્દ્ર તન્ના કહે છેકે, 5થી 18 ટકા સુધીના જીએસટી લેવાય છે. જોકે જોબવર્કની વ્યાખ્યા સ્પષ્ટ નથી એટલે બધાનું મૂલ્યાંકન 18 ટકા તરીકે મોટાંભાગે થઇ જાય છે એટલે કારીગરોને મુશ્કેલી પડી રહી છે. કારીગરો પાસેથી કામ દૂર થઈ રહ્યું છે. મહિલાઓ સહિત લાખો પરિવારોની રોજીરોટી જોખમમાં મુકાઈ રહી છે. પરંપરાગત કારીગર ક્લસ્ટરો નબળા પડી રહ્યા છે અને શ્રમપ્રધાન ઉદ્યોગોમાં રોજગાર ઘટી રહ્યો છે. ઉત્પાદન ધીમે ધીમે મોટા ઉદ્યોગોમાં કેન્દ્રિત થઈ રહ્યું છે, જેના કારણે સૂક્ષ્મ ઉદ્યોગોને નુકસાન થઈ રહ્યું છે.

ટેક્સ વિશેષજ્ઞો કહે છે કે, મુશ્કેલી ઘણી છે પણ તે દૂર થાય એવી સંભાવના ઓછી છે કારણ કે તેનાથી ટેક્સ અને ક્રેડિટની આખી સાંકળ ડિસ્ટર્બ થાય તેવી પરિસ્થિતિ છે. જોકે સરકારે એક બાબતની સ્પષ્ટતા ચોક્કસ કરવી જોઇએ અને તે એ છે કે જોબવર્કની વ્યાખ્યા ખૂબ જ સ્પષ્ટ અને પારદર્શી જાહેર કરવી જોઇએ.

જીએસટી કાયદા પ્રમાણે જોબ વર્ક એટલે નોંધાયેલી વ્યક્તિ કે જેના માલ પર અન્ય કોઈ વ્યક્તિ દ્વારા કરવામાં આવતી કોઈપણ પ્રકારની પ્રક્રિયા અથવા સારવાર. આવી પ્રક્રિયા કરનાર વ્યક્તિને જોબ વર્કર ગણવો જોઇએ. આ રીતે ચૂકવવામાં આવેલા જીએસટીનો લાભ ઇનપુટ ટેક્સ ક્રેડિટ દ્વારા મુખ્ય ઉત્પાદક મેળવી લેતો હોય છે. ખરેખર તો આ રીતે સરકારને આવકમાં વધારો થતો નથી પણ સામાજિક અને રોજગાર સંબંધિત મોટું નુક્સાન જાય છે.

સરકારે જોબવર્ક સેવાની વ્યાખ્યા રજૂ કરીને જીએસટી દૂર કરી દેવો જોઇએ. કારીગર આધારિત ઉત્પાદનને ખરેખર તો જીએસટીમાંથી મુક્તિ આપી દેવી જોઇએ. ખરેખર તો આવી પ્રવૃત્તિ રોજગાર સર્જે છે ત્યારે તેને નીતિગત સહાય આપવી જોઇએ એવી માગ ટ્રેડર્સ ફેડરેશને વડાપ્રધાન સમક્ષ કરી છે.આમ કરવાથી લાખો કારીગરોની રોજીરોટીનું રક્ષણ થશે. મેક ઇન ઇન્ડિયા અને લોકલ ફોર વોકલને પણ તેનાથી વેગ મળશે.


ઇ-પેપરના નવા શુલ્ક

Sports

ફીફા વર્લ્ડ કપમાં મેજર અપસેટ: નોર્વે સામે હારી બ્રાઝિલ બહાર નોર્વેના અર્લિંગ હાલેન્ડે બે અદ્ભુત ગોલ કરી બ્રાઝિલને હતપ્રભ કરી દીધું July 07, Tue, 2026