અમારા પ્રતિનિધિ તરફથી, અમદાવાદ,તા.5: અમદાવાદમાં યોજાનારી રથયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે રાજ્યના ગૃહ વિભાગ અને પોલીસ તંત્ર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી 10 જુલાઈથી 17 જુલાઈ સુધી રાજ્યના તમામ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની રજાઓ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવાયો છે. પોલીસ વડાના આદેશ અનુસાર, માત્ર અતિ મહત્વના કે ખાસ અનિવાર્ય સંજોગોમાં જ રજા મંજૂર કરવામાં આવશે, બાકીના તમામ કર્મચારીઓ માટે ફરજ પર હાજર રહેવું ફરજિયાત રહેશે.
લાખોની
સંખ્યામાં ઉમટતા શ્રદ્ધાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર દ્વારા અત્યારથી
જ ફૂલપ્રૂફ પ્લાનિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે.
રથયાત્રા
દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત
ગોઠવવામાં આવશે, તેમજ સીસીટીવી કેમેરા અને ડ્રોન દ્વારા સતત મોનિટારિંગ કરવામાં આવશે.
શાંતિનું વાતાવરણ જાળવી રાખવા માટે પોલીસ તંત્રએ નાગરિકોને અફવાઓ પર ધ્યાન ન આપવા અને
સહયોગ કરવા અપીલ કરી છે.