• સોમવાર, 06 જુલાઈ, 2026

જેતપર આંદોલન; પરિપત્રના અભ્યાસ બાદ આંદોલન સમિતિ લેશે અંતિમ નિર્ણય

વિવિધ ગામોના ખેડૂતો અને 200 રિક્ષાચાલકોએ આપ્યું સમર્થન

મોરબી,તા.5 : જિલ્લાના જેતપર ગામે ખાનગી વીજ કંપની દ્વારા ખેડૂતોના ખેતરોમાં ઉભા કરાતા વીજ પોલના પૂરતા વળતરની માગ સાથે ચાલી રહેલું આમરણાંત ઉપવાસ આંદોલન આજે 18મા દિવસે પણ યથાવત્ રહ્યું છે. ખેડૂતો અગાઉ પોતાની છ માંગણીઓ લેખિતમાં રાજ્ય સરકાર સમક્ષ રજૂ કરી ચૂક્યા હતા. સરકારે થોડા દિવસો પહેલાં વળતર અંગે નવી નીતિ જાહેર કરી હતી, પરંતુ લેખિત ખાતરી ન મળતાં ખેડૂતો મૌખિક આશ્વાસન સ્વીકારવા તૈયાર નહોતા.

રાજ્ય સરકારે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર અંગેનો સત્તાવાર પરિપત્ર જાહેર કર્યો છે, જે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જોકે, આંદોલનકારી ખેડૂતોનું કહેવું છે કે ગત રાત્રે છાવણી ખાતે યોજાયેલા લોકડાયરાને કારણે તેઓ પરિપત્રનો અભ્યાસ કરી શક્યા નહોતા. અધિકારીઓ દ્વારા પણ પરિપત્ર સત્તાવાર રીતે આપવામાં આવ્યો નથી. ખેડૂતોનું કહેવું છે કે પરિપત્રનો સંપૂર્ણ અભ્યાસ કરીને અને તમામ ખેડૂતો સાથે ચર્ચા-વિચારણા કર્યા બાદ આંદોલન સમિતિ આગામી નિર્ણય જાહેર કરશે.

બીજી તરફ, આંદોલનને દિવસેને દિવસે વ્યાપક જનસમર્થન મળી રહ્યું છે. વિવિધ ગામોમાંથી ખેડૂતો સતત જેતપર પહોંચી તન, મન અને ધનથી આંદોલનને સાથ આપવાની ખાતરી આપી રહ્યા છે. આજે અંદાજે 200 રિક્ષાચાલકોએ રેલી યોજી આંદોલન છાવણી પહોંચીને ખેડૂતોને સમર્થન આપ્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક