એક આરોપીના ઘરમાંથી વાંધાજનક સામગ્રી અને આતંકી સંગઠન સાથે સંકળાયેલું સાહિત્ય જપ્ત
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ,તા.6 : ગુજરાત આતંકવાદ વિરોધી સ્ક્વોડ (એટીએસ) દ્વારા રથયાત્રા પૂર્વે ઝડપાયેલા જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા આઠ આરોપીઓની તપાસ હવે નિર્ણાયક તબક્કામાં પહોંચી છે. રિમાન્ડ દરમિયાન એટીએસની ટીમ ત્રણ આરોપીઓને બનાસકાંઠાના પાલનપુર તાલુકાના ભાગળ ગામે લઈ ગઈ હતી, જ્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સમગ્ર ઘટનાક્રમનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું અને અનેક સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું.
તપાસ દરમિયાન આરોપીઓની હિલચાલ, સ્થાનિક સંપર્કો અને સંભવિત નેટવર્ક અંગે માહિતી મેળવવા માટે તેમના રહેઠાણો સહિત વિવિધ સ્થળોની તપાસ કરવામાં આવી હતી. ભાગળ ગામના રહેવાસી મુદશીર અબ્દુલ્લા ગાજીવાલા અને અહેમદ અબ્દુલ્લા ગાજીવાલા સહિતના આરોપીઓના ઘરોમાં એટીએસે સઘન તપાસ હાથ ધરી હતી. આ ઉપરાંત તેમના સંબંધીઓના ઘરોમાં પણ તપાસ કરવામાં આવી હતી. સર્ચ ઓપરેશન દરમિયાન એક આરોપીના ઘરમાંથી બે મોટા થેલા ભરાય એટલી વાંધાજનક સામગ્રી અને આતંકી સંગઠન સાથે સંકળાયેલું સાહિત્ય જપ્ત કરવામાં આવ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. તપાસ દરમિયાન એક સંબંધીએ અગાઉ જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા હોવાની અને કાશ્મીરમાં તાલીમ લીધી હોવાની વિગતો પણ સામે આવી છે, જેની એટીએસ દ્વારા વધુ તપાસ ચાલી રહી છે.
પ્રાથમિક તપાસ મુજબ આરોપીઓ પાકિસ્તાની હેન્ડલર્સના સંપર્કમાં રહી ગુજરાતમાં પ્રતિબંધિત આતંકી સંગઠનનું નેટવર્ક ઊભું કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તેઓએ ‘દારૂલે ઇસ્લામ ગુજરાત જૈશ-એ-મોહમ્મદ’ નામે તંઝીમ બનાવી સ્થાનિક યુવાનોને સંગઠનમાં જોડવાના પ્રયાસો કર્યા હોવાના પણ આક્ષેપ છે. ઉપરાંત પાકિસ્તાનથી આશરે ત્રણ લાખ રૂપિયાનું કથિત ટેરર ફાંડિંગ મળ્યાની વિગતો પણ તપાસમાં સામે આવી છે. આઠેય આરોપીઓ સામે યુએપીએ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો છે. કડી કોર્ટે તમામ આરોપીઓને 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. એટીએસનું માનવું છે કે ચાલુ તપાસમાં હજુ વધુ મહત્વના ખુલાસા થવાની શક્યતા છે.