છોટાઉદેપુરના રાજવાસણા હેરણ નદી અને તાપીની અંબિકા નદી પર બે આધુનિક રબર ડેમ નિર્માણાધિન
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ, તા.6 : છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના રાજવાસણા ગામ નજીક હેરણ નદી પર અત્યાધુનિક ‘રાજવાસણા રબર ડેમ’ અને તાપી જિલ્લામાં ડોલવણ તાલુકાના પાઠકવાડી ગામે અંબિકા નદી પર આમ બે આધુનિક રબર ડેમ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. જે હાલમાં નિર્માણાધિન છે.
રાજવાસણા ખાતે અંદાજે રૂ. 82.97 કરોડથી વધુના ખર્ચે તૈયાર થનારો આ અનોખો રબર ડેમ આગામી 30 મહિના એટલે કે સપ્ટેમ્બર 2027 સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે. આ ડેમ તૈયાર થવાથી આજુબાજુના 25 ગામોના ખેડૂતોને સિંચાઈ માટે સીધો ફાયદો થશે. જ્યારે તાપીની અંબિકા નદી પર પાઠકવાડી ગામે રૂ. 79 કરોડથી વધુના ખર્ચે જાપાનીઝ ડિઝાઈન આધારિત અદ્યતન ’રબર ડેમટ તૈયાર કરવામાં આવી રહ્યા છે. આ ડેમ તૈયાર થવાથી અંદાજે 650 હેક્ટર જમીનને સિંચાઈનું પાણી મળશે જેનો સીધો ફાયદો સ્થાનિક ખેડૂતોને થશે. જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરાસિંહ પટેલના માર્ગદર્શનમાં આ પ્રોજેક્ટ અંતર્ગત હેરણ નદી પર 180 મીટરની લંબાઈ અને 3.5 મીટરની ઉંચાઈ ધરાવતું આધુનિક રબર બ્લેડર સ્થાપિત કરવામાં આવશે. આ રબર ડેમથી આડબંધ આધારિત નહેરો દ્વારા વિસ્તારના ખેડૂતોને શિયાળુ અને ખરીફ ચોમાસુ એમ બંને સીઝનમાં ખેતી માટે પૂરતું પાણી મળી રહેશે.