• બુધવાર, 15 જુલાઈ, 2026

અંબાજીમાં ગણતરીના લોકોને જ રાત્રી પૂજાની મંજૂરી આપતી નીતિ સામે હાઈકોર્ટ નારાજ

મંદિરમાં પૂજા માટે નિયમો ઘડતી વખતે સરકારે લોકોની આસ્થા અને ધાર્મિક લાગણીને ઠેસ ના પહોંચે તેનું ધ્યાન રાખવું જોઈએ :  હાઈકોર્ટ

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ, તા.13: ગુજરાત હાઈકોર્ટે પવિત્ર શક્તિપીઠ એવા અંબાજી મંદિરમાં પસંદગીના જ ટ્રસ્ટને રાત્રે પૂજાની મંજૂરી આપવાના સરકારના નિર્ણય સામે સવાલ કર્યો છે. આ અંગે હાઈકોર્ટે  નોંધ્યું કે, ધાર્મિક પ્રવૃત્તિ અને ભક્તિની બાબતમાં ક્યારેય ભેદભાવ ના હોવો જોઈએ. હાઈકોર્ટમાં અંબાજી મંદિરમાં રાત્રે પસંદગીના નવ ટ્રસ્ટોને જ પૂજાની મંજૂરી આપવાના નિર્ણયને પડકારતી અરજી પર સુનાવણી થઈ હતી. 

હાઈકોર્ટના જસ્ટિસ નિર્ઝર દેસાઈએ શક્તિપીઠ અંબાજી મંદિરમાં રાત્રે પૂજા અંગે સૂચન કર્યું છે કે, રાજ્ય સરકારે ભક્તો તેમજ ટ્રસ્ટો સાથે સમાન વ્યવહાર કરવો જોઈએ અને રાત્રે પૂજા માટે મંજૂરી આપવામાં ભેદભાવ ના કરવો જોઈએ. મંદિરમાં પૂજા માટેના નિયમો ઘડતી વખતે સરકારે લોકોની આસ્થા અને ધાર્મિક લાગમીને ઠેસ ના પહોંચે તેનું ધ્યાન ચોક્કસપણે રાખવું જોઈએ તેવી ટકોર હાઈકોર્ટ દ્વારા કરવામાં આવી હતી. 

હાઈકોર્ટમાં આ બાબતની અરજી પર સુનાવણી દરમિયાન અરજદારે દલીલ કરતા જણાવ્યું કે, અંબાજી મંદિરમાં રાત્રે પૂજા માટે પસંદગીના ટ્રસ્ટોને જ મંજૂરી આપવામાં આવે છે જ્યારે અન્ય સામાન્ય અને નાના લોકોની અરજી નકારી દેવામાં આવે છે. આ તર્કને લઈને હાઈકોર્ટે રાજ્ય સરકારને સવાલ કર્યો હતો કે, શા માટે ફક્ત નવ ટ્રસ્ટ પૂરતી જ આ વ્યવસ્થા કરવામાં આવે છે ? અન્ય ટ્રસ્ટને શા માટે બાકાત રખાય છે. આ માટે અરજદારના ટ્રસ્ટી દ્વારા વધુ દસ્તાવેજો રજૂ કરવા કોર્ટે મંગળવાર સુધી સુનાવણી ટાળી હતી.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Sports

ફ્લેમિંગ અને CSKનો 18 વર્ષનો નાતો તૂટયો: કોચપદેથી હટી ગયા July 14, Tue, 2026