યુવક મહિલાને શારીરિક સંબંધ બાંધવા કરતો હતો મજબૂર, ભાંડો ફૂટતાં પતિ-પત્નીએ ઘડયો પ્લાન; લાશ કોથળામાં ભરી થયા હતા ફરાર
અમારા
પ્રતિનિધિ તરફથી
અમદાવાદ,
તા. 12 : ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના એક ગામમાં કાળજું કંપાવી દેનારી હત્યાની
ઘટના સામે આવી છે. પરિણીતાનો નહાતો વીડિયો ઉતારી, તેને બ્લેકમેઇલ કરીને વારંવાર શારીરિક
સંબંધ બાંધવા મજબૂર કરનાર 20 વર્ષના એક કોલેજિયન યુવકની દંપતીએ ભેગા મળીને દુપટ્ટા
અને કેબલ વડે ગળું દબાવી ક્રૂર હત્યા કરી નાખી છે. હત્યા બાદ પુરાવાનો નાશ કરવા લાશને
કોથળામાં ભરી, ઘરને તાળું મારી ફરાર થઈ ગયેલા આરોપી દંપતીની પોલીસે ધરપકડ કરી આગળની
કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ
સૂત્રો પાસેથી જાણવા મળ્યા અનુસાર હાર્દિક નામનો યુવક દંપતીનાં ઘરેથી થોડેક દૂર જ રહે
છે. દોઢ બે મહિના અગાઉ પરિણીતાનો નહાતો વીડિયો ઉતારી લીધો હતો. જેના આધારે પરિણીતાને
શારીરિક સંબંધ બાંધવા માટે બ્લેકમેઇલ
કરતો
હતો. જેના લીધે પરિણીતાએ ઇજ્જત જવાની બીકે હાર્દિકની વાત માની લીધી હતી. આ વીડિયોના
આધારે હાર્દિકે અત્યાર સુધીમાં મહિલા આરોપી સાથે પાંચથી છ વખત શારીરિક સંબંધો બાંધ્યા
હતા. આટલું ઓછું હોય એમ હાર્દિક ટેલિફોનિક પ્રેમાલાપ પણ કર્યા કરતો હતો. આ દરમિયાન
પતિએ તેની પત્નીને હાર્દિક સાથે મોબાઇલ પર વાત કરતા પકડી લીધી હતી. જેના પગલે દંપતી
વચ્ચે ઝઘડો થયો હતો ત્યારે પત્નીએ પોતાની આપવીતી પતિને જણાવી હતી. આ બાદ પોતાની પત્નીને બ્લેકમેઇલ કરનારને ખુલ્લેઆમ ફરતો
જોઈ આરોપી પતિએ તેનો કાંટો કાઢી નાખવાનો પ્લાન ઘડી કાઢયો હતો. જેમાં તેની પત્ની પણ
સાથ આપવા તૈયાર થઈ ગઈ હતી.
બાદમાં
મહિલાએ આરોપીને પોતાનાં ઘરે બોલાવ્યો હતો. બરાબર એ જ અરસામાં ધીમે રહીને પતિ ઘરમાં
પ્રવશ્યો હતો અને હાર્દિક ઊભો થાય એ પહેલાં જ તેની છાતી પર બેસી ગયો હતો. આ દરમિયાન
પરિણીતાએ તેના હાથ પકડી લઈને જકડી લીધો હતો. બાદમાં પતિએ દુપટ્ટાથી હાર્દિકને ગળે ટૂંપો
આપી દીધો હતો. ત્યાર બાદ તરફડિયા મારતા હાર્દિકનું પ્રાણપંખેરું ઊડી ગયું હતું.