મરચું, હળદર અને ધાણાજીરુંમાં મકાઈનો લોટ, પામોલીન તેલ અને કેમિકલ કલરની ભેળસેળ, એસ.ઓ.જી.એ ફેક્ટરી માલિકને દબોચ્યો : 41.91 લાખનો શંકાસ્પદ જથ્થો સીઝ
ગોંડલ,
તા.12 : ગોંડલ પંથકમાં જનઆરોગ્ય સાથે ચેડાં કરતું વધુ એક મોટું કૌભાંડ પ્રકાશમાં આવ્યું
છે. હજુ એક મહિના પહેલાં જ જામવાડી જીઆઇડીસીમાંથી નકલી મસાલાનો જથ્થો ઝડપાયો હતો, ત્યાં
જ ગુંદાળા ગામની સીમમાં એસ.ઓ.જી. અને ફૂડ વિભાગે સંયુક્ત દરોડો પાડીને મકાઈનો લોટ,
પામોલીન તેલ અને કેમિકલ કલર ભેળવીને બનાવાતો 41.91 લાખનો શંકાસ્પદ નકલી મસાલાનો મસમોટો
જથ્થો ઝડપી પાડયો છે. વારંવાર સામે આવતા આવા કૌભાંડોને પગલે હવે સ્થાનિક ઉત્પાદનોની
ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે.
પ્રાપ્ત
વિગતો મુજબ એસ.ઓ.જી. શાખાના પીઆઇ પારગી, પીએસઆઈ ઝાલા અને તેમની ટીમ ગોંડલ વિસ્તારમાં
પેટ્રાલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી
કે ગુંદાળા ગામની સીમમાં આવેલી મહાદેવ ઇન્ડસ્ટ્રીઝમાં જે.પી. મસાલા નામના કારખાનામાં
મોટા પાયે ભેળસેળ ચાલી રહી છે. બાતમીના આધારે પોલીસે ફૂડ એન્ડ ડ્રગ્સ સેફ્ટી ઓફિસરને
સાથે રાખી ગોડાઉન પર ત્રાટકી તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, કારખાનેદાર
પોતાના આર્થિક ફાયદા માટે ઓછા જથ્થામાંથી વધુ જથ્થો બનાવવા માટે મસાલાની અંદર ભારે
પ્રમાણમાં ભેળસેળ કરતો હતો. આ ભેળસેળમાં ધાણાજીરુંની અંદર ધાણાજીરુંનું જ ભૂસું (વેસ્ટ)
ઉમેરવામાં આવતું હતું જ્યારે મરચું અને હળદરમાં સસ્તા ભાવનો મકાઈનો લોટ અને પામોલીન
તેલનું મિશ્રણ કરી, તેમાં આકર્ષક દેખાડવા માટે કૃત્રિમ કલર ઉમેરવામાં આવતો હતો. આ નકલી
અને ઝેરી મસાલા બજારમાં અસલી તરીકે વેચીને લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં કરવામાં
આવી રહ્યા હતા.
પોલીસે
આ મામલે ગોંડલની મુરલીધર રેસિડેન્સીમાં રહેતા અને મસાલાની ફેક્ટરી ચલાવતા મિતુલભાઈ
ઉર્ફે મનીષભાઈ ગીરધરભાઈ બાલધા (ઉં.વ. 39) સામે કાર્યવાહી કરી હતી. દરોડા દરમિયાન ફેક્ટરીમાંથી
શંકાસ્પદ ભેળસેળયુક્ત મસાલા મરચું, જીરું, ધાણાજીરું, હળદરનો મોટો જથ્થો મળી આવ્યો
હતો. જેની કુલ અંદાજિત કિંમત 41,91,350 જેટલી થવા જાય છે. ફૂડ વિભાગ દ્વારા સેમ્પલ
લઈને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ઉલ્લેખનીય
કે અગાઉ ગોંડલમાંથી નકલી ઘીનું સૌરાષ્ટ્ર વ્યાપી મોટું કૌભાંડ ઝડપાયું હતું. ઉપરાંત
નકલી બિયારણ તથાં ખાતરનું કૌભાંડ પણ ઝડપાયું હતું. સરેઆમ થતી ભેળસેળ અંગે સ્થાનિક તંત્ર
આંખ આડા કાન કરી રહ્યાંનું ચર્ચાઈ રહ્યું છે.