પહેલો મેચ બપોરે 3-30થી શરૂ થશે
બર્મિગહામ,
તા.13: દિગ્ગજ ખેલાડી વિરાટ કોહલી અને રોહિત શર્માએ ઈંગ્લેન્ડ વિરુદ્ધ મંગળવાથી શરૂ
થતી 3 મેચની વન ડે શ્રેણીમાં ખુદ માટે સારો દેખાવ તો કરવો પડશે, પરંતુ સાથોસાથ ટી-20માં
સતત હારથી હતપ્રભ ભારતીય ટીમનું મનોબળ વધારવામાં પણ મહત્વની ભૂમિકા ભજવવી પડશે. વિરાટ,
રોહિત, બુમરાહ અને કપ્તાન શુભમન વન ડે ફોર્મેટથી ઇંગ્લેન્ડ પ્રવાસમાં ટીમમાં વાપસી
કરી રહ્યા છે. આથી ઈંગ્લેન્ડ સામેની વન ડે શ્રેણી રોમાંચક બની રહેશે તેવી પૂરી સંભાવના
છે. ટી-20 શ્રેણીમાં ભલે ઈંગ્લેન્ડનો 4-0થી એકતરફી વિજય થયો, પણ વન ડે શ્રેણીમાં બન્ને
ટીમ વચ્ચે જોરદાર ટકકર જોવા મળી શકે છે. રોહિત અને કોહલી આજે પણ આ ફોર્મેટના સર્વશ્રેષ્ઠ
ખેલાડીઓ છે. તેમની નજર આવતા વર્ષે રમાનાર વન ડે વર્લ્ડ કપ સુધી ટીમમાં ટકી રહેવા પર
છે. આ લક્ષ્ય માટે બન્નેએ ઈંગ્લેન્ડની કન્ડીશન અને ઉછાળવાળી પિચો પર ઉમદા દેખાવ કરવો
પડશે. મેચ ભારતીય સમય અનુસાર મંગળવારે બપોરે 3-30થી શરૂ થશે.
ભારતીય
ઉપખંડની તુલનામાં ઇંગ્લેન્ડની વધુ ઉછાળવાળી પિચો પર જોફ્રા આર્ચર અને જોશ ટંગ જેવા
ઝડપી બોલર્સનો સામનો કરવો એક અલગ પડકાર ગિલની ટીમ સામે પણ રહેશે. જો કે અનુભવી રોહિત
અને વિરાટ સારી રીતે જાણે છે કે ઈંગ્લેન્ડની કન્ડીશનમાં કઈ રીતે બેટિંગ કરવી અને ઈનિંગની
આગળ વધારવી. આ બે સ્ટાર ખેલાડીની હાજરીનો ટીમ ઈન્ડિયાને ફાયદો મળી શકે છે. કોહલી-રોહિત
સાથે કપ્તાન શુભમન ગિલ અને કેએલ રાહુલની વાપસીથી ટીમ ઇન્ડિયાની બેટિંગ હરોળ મજબૂત છે.
ટી-20 કપ્તાન શ્રેયસ અય્યર પણ મધ્યક્રમનો હિસ્સો બનશે. ટી-20 સિરીઝમાં નબળો દેખાવ કરનાર
ભારતીય બોલર્સે વન ડેમાં અલગ લાઇન-લેન્થ અને અલગ રણનીતિ મુજબ બોલિંગ કરવી પડશે. તેમને જો રૂટ જેવા સ્ટાર બેટરનો સમાનો કરવાનો રહેશે.
ઇંગ્લેન્ડના કેપ્ટન હેરી બ્રુકનું લક્ષ્ય ટી-20 શ્રેણીનું ફોર્મ જાળવી રાખી વન ડે સિરીઝમાં
પણ ફતેહ હાંસલ કરવાનું રહેશે.