• સોમવાર, 27 જુલાઈ, 2026

સૌરાષ્ટ્રમાં મેઘમહેર બની મુસીબત : માર્ગો અને ખેતરો પાણીમાં ગરકાવ ભેસાણમાં બે કલાકમાં સાડા 3 ઇંચ : મચ્છુ ડેમોમાંથી પાણી છોડાતા 29 ગામને એલર્ટ

(ફૂલછાબ ન્યુઝ)

રાજકોટ, તા.25 : સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં પાછલા દિવસોમાં પડેલા વરસાદથી જળાશયોમાં પાણીની આવક વધી છે અને નીચાણવાળા વિસ્તારોમાં અસર જોવા મળી રહી છે. ક્યાંક ભારે વરસાદથી રસ્તાઓ બંધ થયા છે તો ક્યાંક ડેમમાંથી પાણી છોડવાની ફરજ પડી છે. તંત્ર દ્વારા લોકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી રહી છે. મોરબીમાં ડેમ અને ગામો પર નજર, જૂનાગઢમાં વરસાદી પાણીનો પ્રભાવ, ભાવનગર-પોરબંદરમાં માર્ગ અવરોધ અને રાજકોટ-ગોંડલમાં વરસાદી નુકસાન બાદ તંત્રની કામગીરી તેજ બની છે. સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ વચ્ચે વહીવટી તંત્ર દ્વારા સતત મોનિટારિંગ કરવામાં આવી રહ્યું છે.

મોરબી : મોરબી જિલ્લામાં વરસાદ બાદ જળાશયોની સ્થિતિ ગંભીર બની છે. મચ્છુ-3 સિંચાઈ યોજનામાં પાણીની આવક વધતા 8 દરવાજા ખોલી પાણી છોડવામાં આવ્યું છે, જેના પગલે આસપાસના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. બીજી તરફ મચ્છુ-2 ડેમ 100 ટકા ભરાતા દરવાજા ખોલવાની કામગીરી કરવામાં આવી હતી. મોરબી અને માળિયા તાલુકાના કુલ 29 ગામોને સાવચેતી માટે એલર્ટ કરાયા છે. જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ બ્રાહ્મણી-2 ડેમની મુલાકાત લઈ પાણીની આવક, ડેમની સુરક્ષા અને સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોની સમીક્ષા કરી હતી. તેમણે પાણી ભરાયેલા માર્ગો પર બેરિકાડિંગ અને જરૂરી પોલીસ બંદોબસ્ત ગોઠવવા સૂચના આપી છે.

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લાના ભેસાણમાં વહેલી સવારે માત્ર બે કલાકમાં સાડા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા હતા અને નદીઓ બે કાંઠે વહેવા લાગી હતી. જૂનાગઢ અને વંથલી વિસ્તારમાં પણ વરસાદી ઝાપટાંથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યું હતું.

ગોંડલ : ગોંડલના દેવપરા ખાટપા શેરીમાં વર્ષોથી બંધ પડેલું જર્જરિત મકાન ભારે વરસાદના કારણે ધરાશાયી થયું હતું. જાહીદભાઈ હારુનભાઈ પતાણીનું આ મકાન અંદાજે 25 વર્ષથી બંધ હતું અને પરિવાર અન્ય સ્થળે રહેતો હોવાથી કોઈ જાનહાની થઈ નહોતી. શહેરમાં આવા જોખમી જર્જરિત મકાનોને સમયસર દૂર કરવા નગરપાલિકા સામે લોકોએ માગ ઉઠાવી છે. ગોમટા-િનલાખા ભાદર ડેમ રોડ પર પૂરના કારણે પડેલા મોટા ખાડાને રાજકોટ જિલ્લા માર્ગ અને મકાન વિભાગે તાત્કાલિક પુર્યો હતો. હાર્ડ રબલ સ્ટોન અને મોરમ ભરી રસ્તો સમતળ કરાતા વાહન વ્યવહાર ફરી શરૂ થયો છે.

ભાવનગર : ભાવનગર જિલ્લાના ભાલ વિસ્તારમાં ઉપરવાસના પાણીના કારણે વેળાવદર-રાજગઢ માર્ગ પર આવેલા નાળા પરથી પાણી વહેતા વાહન વ્યવહાર જોખમી બન્યો હતો. પોલીસ દ્વારા માર્ગ બંધ કરી વાહનોને ડાયવર્ટ કરવામાં આવ્યા હતા. વટેમાર્ગુઓ અને વાહનચાલકોને પાણીના પ્રવાહમાંથી પસાર ન થવા અપીલ કરવામાં આવી છે.

બોટાદ : કેરીયા-2 ગામ પાસે પુલના ડાયવર્ઝન પર પાણી ફરી વળતા બંધ કરાયેલો બરવાળા-ભાવનગર માર્ગનું સમારકામ પૂર્ણ થતાં ફરી શરૂ કરવામાં આવ્યો છે. તંત્રએ વરસાદી સ્થિતિમાં સાવચેતી રાખવા વાહનચાલકોને સૂચના આપી છે.

પોરબંદર : પોરબંદર જિલ્લામાં સીધો ભારે વરસાદ ન હોવા છતાં ઉપરવાસના પાણીના કારણે ઘેડ વિસ્તારના પાંચ માર્ગો બંધ કરવાની ફરજ પડી છે. કડછ-અમીપુર, મંડેર-બગસરા, ભડ-ભાદલપુર, ભડ-ચીકાસા અને બીલડી-ગણા માર્ગો પર પાણી ફરી વળતા અનેક ગામોના લોકો મુશ્કેલીમાં મુકાયા છે. પાણીની આવક ઘટયા બાદ જ માર્ગો શરૂ કરવામાં આવશે.

પાટણમાં રેડ એલર્ટને પગલે જઉછિ તૈનાત

પાટણ જિલ્લામાં ભારે વરસાદના રેડ એલર્ટને પગલે 25 જવાનોની એસડીઆરએફ આધુનિક બચાવ સાધનો સાથે પાટણ પહોંચીને તૈનાત કરવામાં આવી છે. પાટણ જિલ્લાના સાંતલપુર અને રાધનપુર તાલુકાના અનેક ગામો પાણીમાં ગરકાવ થયા છે. વિવિધ સ્થળોએ પાણીના ભારે વહેણમાં વાહનો ફસાવાની ઘટનાઓ પણ બની રહી છે. પોલીસ અને સ્થાનિક લોકો દ્વારા ફસાયેલા નાગરિકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી ચાલી રહી છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક