લાખો શિવભક્તોને ધ્યાનમાં રાખી સુરક્ષા, ટ્રાફિક, પાર્કિંગ, આરોગ્ય અને સુવિધાઓ અંગે મંદિર ટ્રસ્ટ સાથે બેઠક યોજાઈ
રાજકોટ, તા.24 : 13 ઓગસ્ટથી શરૂ
થતા શ્રાવણ માસ દરમિયાન ઘેલા સોમનાથ ખાતે લાખો શિવભક્તો દર્શન માટે પહોંચવાના હોવાથી
જિલ્લા કલેક્ટર ડો.ઓમ પ્રકાશે આજે ઘેલા સોમનાથ મંદિરની મુલાકાત લઈને મંદિર ટ્રસ્ટના
ટ્રસ્ટીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી.
શ્રાવણ માસ દરમિયાન ગુજરાત સહિત
દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં ભાવિકો ઘેલા સોમનાથ આવે છે. આ સમયગાળા દરમિયાન યોજાતા
લોકમેળાને ધ્યાનમાં રાખીને યાત્રિકોની સુરક્ષા અને સુવિધાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં
આવી હતી. બેઠકમાં કલેકટરે પાર્કિંગ અને ટ્રાફિક વ્યવસ્થાને સુચારુ રાખવા, મંદિર પરિસરમાં
પીવાના પાણીની પૂરતી વ્યવસ્થા, અવિરત વીજ પુરવઠો, મોબાઇલ ટાસ્ક ફોર્સ, એમ્બ્યુલન્સ
અને આરોગ્ય સેવાઓ તૈનાત રાખવા સહિતના જરૂરી નિર્દેશ આપ્યા હતા. સાથે જ દર્શનાર્થીઓને
કોઈ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે સૂચના પણ આપવામાં આવી હતી.