• સોમવાર, 27 જુલાઈ, 2026

ઉત્તર ગુજરાતમાં બે દિવસ અતિભારે વરસાદ, 5 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

બે વરસાદી સિસ્ટમ સક્રિય થતાં 48 કલાકમાં 20 ઇંચ સુધી વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ, તા.25 : ગુજરાતમાં હાલ ચોમાસું જોર પકડી રહ્યું છે. રાજ્યમાં બે અલગ-અલગ વરસાદી સિસ્ટમ સક્રિય થતા આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજસ્થાન અને પશ્ચિમ બંગાળ પર લો-પ્રેશર સિસ્ટમ સક્રિય છે. આ સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ અસર કરી રહ્યું હોવાથી રાજ્યમાં વરસાદનું પ્રમાણ વધી શકે છે.

આવતીકાલે ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતાને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં વાવ-થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને અરવલ્લીનો સમાવેશ થાય છે. જ્યારે પાટણ, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, વડોદરા, ભરૂચ, બોટાદ, અમરેલી, સુરત, નવસારી અને વલસાડ સહિતના જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

હવામાન વિભાગની આગાહી મુજબ 28 અને 29 જુલાઈએ વરસાદનું જોર થોડું ઘટી શકે છે, પરંતુ 30 જુલાઈથી દક્ષિણ ગુજરાતમાં ફરી ભારે વરસાદ શરૂ થવાની શક્યતા છે. ભારે વરસાદને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્રને સાવચેત રહેવા અને નીચાણવાળા વિસ્તારો પર નજર રાખવા સૂચના આપવામાં આવી છે. આગામી 48 કલાક દરમિયાન ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં 10થી 20 ઇંચ સુધી વરસાદ પડવાની શક્યતા છે. ભારે વરસાદને કારણે નદીઓ, તળાવો અને જળાશયોમાં પાણીની આવક વધશે.

છેલ્લા 24 કલાકમાં પણ ઉત્તર ગુજરાતમાં વરસાદે જોર બતાવ્યું છે. પાટણના સાંતલપુરમાં 15 ઇંચ અને રાધનપુરમાં 13.46 ઇંચ વરસાદ નોંધાયો છે. વાવ-થરાદના ભાભરમાં 11.3 ઇંચ અને દિયોદરમાં 10.83 ઇંચ વરસાદ પડતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે તંત્ર પણ એલર્ટ મોડ પર આવી ગયું છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક