• સોમવાર, 27 જુલાઈ, 2026

કોડિનાર પાસે રાત્રે 5 સિંહે ગાયનો શિકાર કરી સવાર સુધી મારણ કર્યુ

પશુપાલકોમાં ચિંતા, વન વિભાગ પાસે પેટ્રાલિંગ વધારવા માગ

કોડિનાર, તા.25 : ગિર સોમનાથ જિલ્લાના કોડિનાર તાલુકામાં સિંહોની અવરજવર વધી રહી છે. કોડિનાર-પીપળી રોડ પર રાજદીપ સ્કૂલ નજીક મોડી રાત્રે પાંચ સિંહોએ એક ગાયનો શિકાર કર્યો હતો. આ ઘટનાથી સ્થાનિક ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો છે.

મોડી રાત્રે પાંચ સિંહ રાજદીપ સ્કૂલ પાસે પહોંચ્યા હતા અને ત્યાં ચરી રહેલી ગાય પર હુમલો કરી તેનો શિકાર કર્યો હતો. શિકાર બાદ સિંહ પરિવારે આખી રાત ત્યાં જ મારણ કર્યુ હતું. ત્યારબાદ નજીકના દેવડી તથા વાડી વિસ્તારો તરફ આગળ વધ્યા હતા. આ વિસ્તારના ખેડૂતો અને સ્થાનિકોમાં ભય જોવા મળી રહ્યો છે. ગ્રામજનોના મતે દેવડી અને આસપાસના વાડી વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી સિંહોનું કાયમી રહેઠાણ બન્યું છે. લગભગ દરરોજ રાત્રે સિંહો ગ્રામ્ય વિસ્તારોમાં પ્રવેશી પશુઓ પર હુમલા કરે છે, જેનાથી પશુપાલકોને આર્થિક નુકસાન થાય છે. સિંહોની વધતી અવરજવર સામે કાયમી ઉકેલની ગ્રામજનો માગ કરી રહ્યા છે. રાત્રિના સમયે સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રાલિંગ વધારવા, સિંહોની હિલચાલ પર નજર રાખવા અને પશુપાલકો-ખેડૂતોની સુરક્ષા માટે પગલાં ભરવા માગ કરી છે. પશુહાનિના કિસ્સામાં ઝડપી પંચનામું કરી યોગ્ય વળતર ચૂકવવાની પણ અપીલ કરાઈ છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક