છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 32 જિલ્લાના 204 તાલુકાઓમાં સરેરાશ 14.96 મિમી વરસાદ નોંધાયો
અમારા પ્રતિનિધિ તરફથી, :અમદાવાદ,તા.26:
ગુજરાતમાં ચોમાસુની સિઝન અડધી વીતી ગયા બાદ પણ વરસાદનું ચિત્ર નિરાશાજનક રહ્યું છે.
રાજ્યમાં 26મી જુલાઈ સુધીમાં સરેરાશ 487.81 મિમી એટલે કે, સિઝનના સરેરાશ વરસાદ સામે
માત્ર 53.67 ટકા વરસાદ થયો છે. 2023થી 2025 સુધીના ગત ત્રણ વર્ષની સરખામણીમાં આ વર્ષે
સૌથી ઓછો વરસાદ પડ્યો છે. આમછતાં, છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 32 જિલ્લાના 204
તાલુકાઓમાં સરેરાશ 14.96 મિમી વરસાદ નોંધાયો છે. જેમાં વલસાડના કપરાડામાં સૌથી વધુ
140 મિમી (5.51 ઇંચ) વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદને કારણે રાજ્યના 39 ડેમો હાઈ એલર્ટ,
એલર્ટ અને વોર્નિંગ પર મૂકવામાં આવ્યા છે. જ્યારે નર્મદા ડેમ 69.32 ટકા ભરાયો છે. વરસાદ
અને પૂરની સ્થિતિને પગલે અત્યાર સુધીમાં 53 હજારથી વધુ લોકોનું સ્થળાંતર અને 8 હજારથી
વધુ લોકોનું રેસ્ક્યુ કરાયું છે. જેના માટે 17 એનડીઆરએફ ટીમો અને 33 એસડીઆરએફ પ્લાટૂન
તૈનાત કરાયા છે. બીજી તરફ, હવામાન વિભાગ દ્વારા માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી
અપાઈ છે, વીજ પુરવઠાને પણ વ્યાપક અસર પહોંચી છે અને જીએસઆરટીસીને લાખો રૂપિયાનું નુકસાન
વેઠવું પડ્યું છે. આ બધા વચ્ચે ખરીફ વાવેતર હજુ સામાન્ય વિસ્તારના માત્ર 59.59% સુધી
જ પહોંચ્યું છે અને કચ્છ-સૌરાષ્ટ્ર તથા દેવભૂમિ દ્વારકા-પોરબંદર જેવા વિસ્તારો હજુ
પણ સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે.
હવામાન વિભાગના સત્તાવાર બુલેટિન
મુજબ 1લી ઓગસ્ટ સુધીના સપ્તાહ દરમ્યાન રાજ્યમાં દક્ષિણ અને મધ્ય-ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં
ગાજવીજ, વીજળીના કડાકા અને પવનના સુસવાટા સાથે હળવાથી મધ્યમ અને કેટલાક સ્થળોએ ભારે
વરસાદની સંભાવના છે. 28 અને 29મી જુલાઈ દરમિયાન વરસાદની તીવ્રતામાં થોડો ઘટાડો નોંધાશે.
રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં થંડરસ્ટોર્મ અને હળવો વરસાદ પડી શકે છે.
30મી જુલાઈથી 1લી ઓગસ્ટ દરમ્યાન
ચોમાસાનો નવો સક્રિય રાઉન્ડ શરૂ થશે. ખાસ કરીને 31મી જુલાઈ અને 1લી ઓગસ્ટે દક્ષિણ ગુજરાત
અને પૂર્વ-મધ્ય ગુજરાતના વિસ્તારોમાં યલો-ઓરેન્જ એલર્ટ સાથે ભારેથી અતિ ભારે વરસાદ
ખાબકવાની પૂરેપૂરી શક્યતા છે. દક્ષિણ ગુજરાતના
વલસાડ, નવસારી, સુરત, ડાંગ, તાપીમાં સમગ્ર સપ્તાહ દરમિયાન વરસાદી સ્થિતિ વધુ સક્રિય
રહેશે અને આખરી ચરણમાં અતિ ભારે વરસાદની શક્યતા છે. મધ્ય અને ઉત્તર ગુજરાતના અમદાવાદ, આણંદ, ખેડા,
પંચમહાલ, બનાસકાંઠામાં 31મી જુલાઈથી વરસાદનું જોર વધશે અને ભારે વરસાદનો રાઉન્ડ આવી
શકે છે. જયારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં 27 જુલાઈએ છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ બાદ
31મી જુલાઈ અને 1લી ઓગસ્ટે ફરીથી કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદી ઝાપટાં પડી શકે છે.