હેત
વેલ્થ ક્રિએશન ગ્રુપ નામની કંપનીમાં ઊંચા વળતર અને નાણાં ડબલ કરી આપવાની લાલચ આપી આચરેલું
કૌભાંડ; નિલમબાગ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ
ભાવનગર,
તા. 27: ભાવનગર શહેરના દેવુબાગ વિસ્તારમાં રહેતા અને કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરતા
75 વર્ષીય વૃદ્ધ સાથે અમદાવાદની મહિલાએ ઊંચા વળતરની લાલચ આપી રૂ. 1.18 કરોડની છેતરાપિંડી
કરી હોવાની ફરિયાદ નિલમબાગ પોલીસ મથકે નોંધાઈ છે. તપાસમાં સામે આવ્યું છે કે મહિલાએ
ફરિયાદી સહિત તેમના પરિવારજનો, સગા-સંબંધીઓ અને મિત્રોને રોકાણ માટે પ્રેરિત કરી કુલ
20 જેટલા રોકાણકારો પાસેથી રૂ. 4.72 કરોડથી વધુની રકમ ઉઘરાવી ઉચાપત કરી હોવાનું આક્ષેપ
કરવામાં આવ્યો છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગરના દેવુબાગ વિસ્તારમાં આવેલા સાંકેત
રેસિડન્સી ફ્લેટ નંબર 102માં રહેતા અને કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરતા ચંદ્રકાંતભાઈ ધનજીભાઇ
જોષી (ઉં.વ.75) એ નિલમબાગ પોલીસ મથકમાં નિમિત્સા વિમલકુમાર વ્યાસ (રહે. બી/9003, શ્રી
સાન્નિધ્ય ફ્લોરા, સેલા, વી.આઇ.પી. સેડ, અમદાવાદ) સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું
છે કે ગત જાન્યુઆરી, 2025ના અરસામાં તેની દીકરી શ્વેતાબેનની મિત્ર નિમિત્સા વિમલકુમાર
વ્યાસ તેમના ઘરે આવ્યા અને તેણે કહ્યુ કે અંકલ શ્વેતાબેન મારી કંપનીમાં રોકાણ કરે છે,
તમે પણ રોકાણ કરો તમને સારું એવું વળતર અપાવીશ. તેમ કહેતા તેઓએ કંપનીમાં કઈ રીતે રોકાણ
કરવાનું તેમ પૂછતા તેને ’ઇંઊઝ ઠઊઅકઝઇં ઈછઊઅઝઈંઘગ ઋછઘઞઙ’ નામની કંપની ચલાવતી હોવાનું
જણાવી રોકાણકારોના નાણાં ડબલ કરી આપવાની તેમજ મોટો નફો અપાવવાની લોભામણી યોજનાઓ રજૂ
કરી હતી. અમદાવાદની મહિલાએ ગૂગલ સાઇટ પર બનાવટી વેબપેજ બનાવી પોતાને
ફાઉન્ડર અને ઓનર તરીકે દર્શાવી વિશ્વાસ કેળવાતા આ લોભામણી સ્કીમમાં ફસાઈને તેઓ તથા
તેમના પત્નીએ શરૂઆતમાં કટકે કટકે રૂ. 1,18,00,000 નું રોકાણ કર્યું હતું. ત્યારબાદ
મહિલાએ અલગ-અલગ સ્કીમોના બહાને તેઓના પરિવાર, સગા-સંબંધીઓ અને મિત્રો સહિત કુલ 20 જેટલા
રોકાણકારો પાસેથી આશરે રૂપિયા 4.72 કરોડથી વધુનું રોકાણ કરાવ્યું હતું. મુદત પૂરી થતાં
નાણાં કે વળતર પરત માંગતા મહિલાએ અવારનવાર ખોટા વાયદાઓ આપ્યા હતા અને ડિસેમ્બર 2025થી
ફોન બંધ કરી દઈને તમામના નંબર બ્લોક કરી દીધા હતા. જે ફરિયાદના આધારે પોલીસે નિમિત્સા
વિમલકુમાર વ્યાસ સામે ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.