• ગુરુવાર, 30 જુલાઈ, 2026

ભાવનગર મ્યુ. કોર્પોરેશનના આધાર સેન્ટરના ઓપરેટર અને વચેટિયો લાંચ લેતા ઝડપાયા

આધાર કાર્ડમાં સુધારો કરવાના નામે ચાલતા લાંચના નેટવર્કનો પર્દાફાશ

ભાવનગર, તા. 28: ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ ઝોન આધાર કાર્ડ સેન્ટર પર એન્ટિ કરપ્શન બ્યુરો દ્વારા સફળ ડીકોય ટ્રેપ ગોઠવીને એક મોટા લાંચિયા નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. એસીબીની ટીમે બીએમસી પશ્ચિમ ઝોનના આધાર ઓપરેટર વિજય ભરતભાઈ ડાભી અને વચેટિયા તરીકે કામ કરતા અશ્વિન બાંભણિયાને રૂ.3000ની લાંચ સ્વીકારતા રંગેહાથ ઝડપી લીધા છે.

મળતી માહિતી મુજબ, અશ્વિન બાંભણિયા મંત્રેશ કોમ્પ્લેક્સ સામે સદ્ગુરુ ઓનલાઈન સર્વિસ નામની ઓફિસ ચલાવતો હતો અને તે મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ સાથે મળીને સામાન્ય નાગરિકો પાસેથી કાર્ડમાં સુધારા કરવાના બહાને ગેરકાયદે નાણાં પડાવતો હતો. આ અંગે ચોક્કસ બાતમી મળતા એસીબીની ટીમે છટકું ગોઠવ્યું હતું. ડીકોયર દ્વારા આધાર કાર્ડમાં સુધારો કરાવીને નક્કી થયા મુજબ રૂ.3000ની રકમ આપતી વખતે જ એસીબીની ટીમે દરોડો પાડીને લાંચની રકમ કબજે કરી હતી અને બંને આરોપીઓની અટકાયત કરી ગુનો નોંધ્યો હતો.

આ સફળ કામગીરી ભાવનગર એસીબી પોલીસ સ્ટેશનના પી.આઈ. ટી.એસ. રીઝવી તથા તેમની ટીમ દ્વારા મદદનીશ નિયામક એસ.એન. બારોટના સુપરવિઝન અને રાજકોટ એકમના નાયબ નિયામક બળદેવાસિંહ વાઘેલાના માર્ગદર્શન હેઠળ પાર પાડવામાં આવી હતી. આ કાર્યવાહીથી ભ્રષ્ટ અધિકારીઓમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે.

ઇ-પેપરના નવા શુલ્ક