પૂજારી
બંધુઓએ દારૂનો ધંધો બંધ કરાવતા બદનામ કરવાનું ષડયંત્ર રચાયાનો દાવો
જૂનાગઢ,
તા.19 : ગિરનાર પર્વતમાળામાં સાધુ-સંતોને લાંછન લગાડતા કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા
છે, અંબાજી મંદિરના રસોડામાં દારૂનો વીડિયો વાયરલ થયા બાદ હવે ગિરનારના હનુમાન ધારાના
પૂજારી બંધુઓનો દારૂ, ડાન્સ પાર્ટીનો વીડિયો વાયરલ થતા સાધુ સમાજ સ્તબ્ધ થઇ ગયો છે.
આ વીડિયોમાં જણાતા પૂજારી બંધુઓએ દારૂનો ધંધો બંધ કરાવતા બદનામ કરવાનું ષડયંત્ર રચાયાનો
દાવો કર્યો છે.
ગિરનાર
જૂની સીડી પર આવેલા પ્રાચીન હનુમાનજીના હનુમાનધારા મંદિરમાં સેવા પૂજા કરતા વિશાલ અગ્રાવત
અને હિરેન અગ્રાવત અને તેના મિત્રોનો દારૂ સાથે ડાન્સ પાર્ટીનો વીડિયો વાયરલ થયો છે.
આ જગ્યાની પૃષ્ટિ થતી નથી અને વિડિયો પણ ક્યારનો છે તે સ્પષ્ટ થયું નથી. પરંતુ આ વિડીયો
વાયરલ થતાં ગિરનારના સાધુ સંતોએ આંચકો અનુભવ્યો છે.
આ વાયરલ
વીડિયો અંગે હનુમાન ધારાના સેવક પૂજારી વિશાલ અગ્રાવતે જણાવ્યું કે આ વિડીયો 8થી 10
વર્ષ જૂનો છે. અને જ્યારે આવી પાર્ટી ચાલતી હતી ત્યારે હું માત્ર ત્યાં બેઠો હતો. હું
દારુ બિયર પીતો નથી પરંતુ મને બદનામ કરવા માટે મારો ખાલી બેઠો હોય તેવો વીડિયો ઉતારી
વાયરલ કરાયો છે જ્યારે તેના ભાઈ હિરેન અગ્રાવતે જણાવ્યું કે મને દારુ પીવડાવતો વિડીયો
ઉતારી બદનામ કરવાનું કાવતરું રચવામાં આવ્યું છે. ત્યારે સાથેના લોકોએ કહયું કે બાપુ
બોટલ હાથમાં રાખો તેમ કહી આ વીડિયો ઉતારવામાં આવ્યો હતો.
તેમણે
આક્ષેપ કર્યો કે અમારા વિસ્તારમાં દારુનો ધંધો કરનારાઓને બંધ કરાવતા તેઓએ બદનામ કરવા
માટે આ વર્ષો જુનો વિડીયો વાયરલ કરી બંને ભાઈઓને બદનામ કરવાનું ષડયંત્ર રચાયું છે.
આ પૂજારી બંધુઓના કાકા રજનીકાંત અગ્રાવતે જણાવ્યું કે ઉપરકોટ પાસે આવેલા રામજી મંદિરની
બહાર પેશકદમી કરી અમુક શખસો ઓરડી બનાવી દારુનો ધંધો કરતા હતા. આ ધંધો બંધ કરાવતા તેઓએ
પોતાના ભત્રીજાઓને બદનામ કરવા આ વીડિયો બનાવી વાયરલ કર્યો છે. મારા ભત્રીજાઓ હનુમાનધારામાં
જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ પહોંચાડવાની અને મજૂરો પૂરા પાડવાની કામગીરી કરે છે. મંદિરની
સેવા પૂજા કરતા નથી.
આ અંગે
ગિરનારના સાધુ સંતોએ પણ રોષ વ્યક્ત કરી પોલીસે આ વીડિયોની ખરાઈ કરી દોષિતો સામે પગલા
ભરવા માગણી કરી છે.