• ગુરુવાર, 20 ઑગસ્ટ, 2026

રાજ્યમાં 2 અને સૌરાષ્ટ્ર-કચ્છમાં 26 ટકા વરસાદની ઘટ

            આગામી 7 દિવસ હળવા વરસાદની આગાહી

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ, તા. 19: હાલ ડિપ્રેશન, મોન્સુન ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશન જેવી વિવિધ વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી ગુજરાતમાં આગામી 7 દિવસ સુધી સામાન્ય વરસાદ પડવાની સંભાવના છે. ચાલુ ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં સમગ્ર રાજ્યમાં સરેરાશ 680.18 મિ.મી. વરસાદ નોંધાયો છે, જેના પરિણામે રાજ્યમાં સામાન્ય કરતાં હજુ પણ 2% વરસાદની ઘટ પ્રવર્તી રહી છે. જો કે, ચિંતાનો વિષય એ છે કે સૌરાષ્ટ્ર અને કચ્છ પંથકમાં વરસાદની ખેંચ હજુ પણ યથાવત્ છે, જ્યાં નોંધપાત્ર 26% વરસાદની મોટી ઘટ નોંધાઈ છે.

અમદાવાદ હવામાન વિભાગના જણાવ્યા મુજબ સર્જાયેલી આ સિસ્ટમોમાં એક ડિપ્રેશન છે, જે અત્યારે પણ ઉત્તર ઝારખંડમાં બનેલું છે અને બીજું એક મોન્સુન ટ્રફ છે જે ફિરોઝપુર તથા કરનાલ થઈને આ ડિપ્રેશન તરફ જઈ રહ્યું છે. ત્રીજી એક ટ્રફ રેખા મધ્ય પ્રદેશથી દક્ષિણ ગુજરાત તરફ પસાર થઈ રહી છે અને ચોથી સિસ્ટમ તરીકે રાજસ્થાનમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે. આ તમામ સક્રિય સિસ્ટમોને પગલે રાજ્યમાં આગામી 7 દિવસ હળવા વરસાદની આગાહી છે. 

રાજ્યમાં વર્તમાન ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં કુલ 680.18 મિમી એટલે કે સરેરાશ 74.84% વરસાદ નોંધાઈ ચૂક્યો છે. પ્રાદેશિક સ્થિતિ પર નજર કરીએ તો દક્ષિણ ગુજરાતમાં આકાશી મહેર વરસતાં સિઝનનો 102.57% વરસાદ પડી ચૂક્યો છે, જ્યારે કચ્છમાં માત્ર 29.25% જ વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાક એટલે કે 18 અૉગસ્ટના સવારે 6 વાગ્યાથી 19 અૉગસ્ટના સવારે 6 વાગ્યા દરમિયાન તાપીના નિઝારમાં સૌથી વધુ 11 મિ.મી. અને ડાંગના વઘઈમાં 10 મિ.મી. વરસાદ નોંધાયો હતો, જ્યારે રાજ્યના 18 તાલુકાઓમાં હળવા છાંટા પડ્યા હતા. આ સિવાય હવામાન વિભાગ દ્વારા આગામી 20 અૉગસ્ટ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે કડક આદેશ સાથેની ચેતવણી આપવામાં આવી છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ તેની કુલ ક્ષમતાના 88.31% ભરાઈ ચૂક્યો છે. તે સિવાય રાજ્યના અન્ય 206 જળાશયોમાં 65.86% જળસંગ્રહ થયો છે, જેમાં 27 જળાશયો 100% ભરાઈ જતાં છલકાયા છે અને 41 ડેમોને ‘હાઇ ઍલર્ટ’ પર છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક