અનિયમિત, અપુરતા કમિશનની સાથે સીબીડીસી સિસ્ટમમાં આવતી ટેકનિકલ મુશ્કેલીઓનો વિરોધ
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ, તા. 25: ગુજરાત રાજ્ય
ફેર પ્રાઈસ શોપ્સ એન્ડ કેરોસિન લાયસન્સ હોલ્ડર એસોસિયેશન દ્વારા રેશન દુકાનદારોની વિવિધ
પડતર માગણીઓ અને અનિયમિત તેમજ અપુરતા ચુકવાતા કમિશનની સાથે સીબીડીસી સિસ્ટમમાં આવતી
ટેકનિકલ મુશ્કેલીઓના વિરોધમાં 1 સપ્ટેમ્બરથી હડતાલ કરશે અને રેશન દુકાનદારો 1 સપ્ટેમ્બરથી
વિતરણ વ્યવસ્થાથી અળગા રહેશે. રાજ્યના 17 હજારથી વધુ રેશન દુકાનદારોને આંદોલનમાં જોડાશે,
એમ એસો.ના પ્રમુખ પ્રહલાદભાઈ મોદીએ જણાવ્યું હતું.
એસોસિયેશનના નિર્ણય મુજબ 25 ઓગસ્ટે
ચલણ ભરવાની અંતિમ તારીખ હોવા છતાં એકપણ રેશન દુકાનદાર ચલણ જનરેટ નહીં કરે અને ઓનલાઈન
કે બાંકિંગ સિસ્ટમમાં રકમ પણ ભરશે નહીં. સાથે જ સપ્ટેમ્બર માસનો રેશનનો જથ્થો પણ મંગાવવામાં
આવશે નહીં.
રેશન દુકાનદારોનો આક્ષેપ છે કે
છેલ્લા કેટલાય મહિનાઓથી પુરવઠા વિભાગ દ્વારા ચલણ ભરવા માટેની મુદત ટૂંકી આપવામાં આવે
છે અને દુકાનદારો પાસેથી અગાઉથી નાણાં ભરાવી લેવામાં આવે છે. તેમ છતાં સમયસર રેશનનો
જથ્થો દુકાનો સુધી પહોંચતો નથી. મહિના ના બીજા પખવાડિયામાં પણ રેશનદુકાનોમાં અનાજનો
જથ્થો ના પહોંચાડી શકતું પુરવઠા વિભાગ બીજી તરફ સીબીડીસી સિસ્ટમને ઠોકી બેસાડી દેવાતા
તેના વિરોધ સાથે વારંવાર ટેકનિકલ ખામીઓ, એરર અને ધીમી ગતિના સર્વરના કારણે દુકાનદારો
તેમજ રેશનકાર્ડ ધારકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
ટેકનોલોજીના નામે સીબીડીસી કામગીરી
માટે ગ્રામ્ય વિસ્તારોમાં મામલતદારો અને શહેરી વિસ્તારોમાં ઝોનલ અધિકારીઓ દ્વારા રેશન
દુકાનદારો પર દબાણ કરવામાં આવતું હોવાનો પણ એસોસિયેશન દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો
છે.
સાતમ-આઠમ સહિતના તહેવારો અને
શ્રાવણ માસના તહેવારોને ધ્યાનમાં રાખીને સપ્ટેમ્બર માસના રેશન વિતરણથી દૂર રહેવાનો
નિર્ણય એસોસિયેશને કર્યો છે. 1 સપ્ટેમ્બરથી શરૂ થનારા આ આંદોલનને પગલે રાજ્યની રેશન
વિતરણ વ્યવસ્થા પર તેની કેવી અસર પડે છે, તેના પર સૌની નજર રહેશે.