• બુધવાર, 26 ઑગસ્ટ, 2026

ગુજરાત યુનિ.ના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તા પર નકલી ચલણી નોટોનો વરસાદ વરસાવાયો

કરોડો રૂપિયાની નાણાંકીય ઉચાપતના આક્ષેપ : ગેરરીતિ અને ગેરકાયદે ભરતી સામે 72 કલાકમાં ફરિયાદ નોંધાવવા અલ્ટીમેટમ

(અમારા પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, તા. 25: ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તા પર સત્તાનો દુરુપયોગ કરીને યુનિવર્સિટીને કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન પહોંચાડવાનો આક્ષેપ લાગ્યો છે. આ નાણાકીય ઉચાપત સામે કોંગ્રેસ અને એનએસયુઆઇ મેદાને પડયા છે. એનએસયુઆઇના આશરે 200 જેટલા કાર્યકર્તાઓએ યુનિવર્સિટીમાં ઘેરાવ કરી કુલપતિની ઓફિસમાં ‘નીરજા ગુપ્તા હાય હાય’ના નારા સાથે પૂર્વ કુલપતિ પર નકલી નોટોનો વરસાદ કર્યો હતો. આ સાથે નીરજા ગુપ્તા સામે તાત્કાલિક ફોજદારી ગુનો દાખલ કરવા 72 કલાકનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું. જો કાર્યવાહી નહીં થાય તો યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં બંધનું એલાન અને કુલપતિનું મોઢું કાળું કરવાની ચેતવણી અપાઈ હતી.

નીરજા ગુપ્તાને કાર્યકાળ પૂરો થયા બાદ નાણાકીય ગેરરીતિઓ અને ગેરકાયદે નિમણૂકોના અનેક કિસ્સાઓ એકપછી એક પ્રકાશમાં આવી રહ્યા છે, જેને પગલે યુનિવર્સિટી કેમ્પસમાં ભારે ખળભળાટ મચી ગયો છે. નીરજા ગુપ્તાએ કાર્યભાર સંભાળ્યા બાદ યુજીસીના નિયમોની અવગણના કરીને પોતાના મળતિયા એવા 10 લોકોને ડિરેક્ટર જેવા ઉચ્ચ પદો પર ગોઠવી દીધા હતા. આ લોકોને કુલપતિના, પોતાના પગાર કરતા પણ વધુ મહેનતાણું વિદ્યાર્થીઓની ફીના નાણાંમાંથી ચૂકવવામાં આવતું હોવાનો દાવો પૂર્વ સિન્ડિકેટ સભ્ય અને પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ ઈન્દ્રવિજયાસિંહ ગોહિલે કર્યો છે.

 ચારે તરફથી ભારે હોબાળો મચ્યા બાદ યુનિવર્સિટી પ્રશાસને ગેરકાયદે રખાયેલા તમામ 10 કર્મચારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે. ઈન્ચાર્જ કુલપતિ જગદીશ જોષીએ જણાવ્યું હતું કે સમગ્ર મામલાની તપાસ માટે એક ખાસ કમિટીની રચના કરવામાં આવી છે, જેનો રિપોર્ટ આવ્યા બાદ કસૂરવારોને ટર્મિનેટ કરી નાણાંની વસૂલાત કરવામાં આવશે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક