પાણીની ચિંતા વચ્ચે ખેડૂતોનો જીવ તાળવે
(અમારા
પ્રતિનિધિ તરફથી)
રાજકોટ,
તા.26 : વાવણી કરતા અત્યારે વધારે ચિંતા ખેડૂતોને વરસાદની થઇ પડી છે. 2 ઓગસ્ટ પછી છૂટાછવાયા
ઝાપટાં સિવાય ભાગ્યે જ ક્યાંય નોંધપાત્ર વરસાદ પડયો છે એના કારણે વાવેતર કરેલી મોલાત
ઉપર હવે નબળા ઉતારા અને બગાડનું પૂરેપૂરું સંકટ છે. દસેક દિવસમાં વરસાદ ન પડે તો પ્રવર્તમાન
સમયે સારી સ્થિતિમાં જે પાક છે એમાં પણ નુકસાની શરૂ થઇ જશે. દરમિયાન ગુજરાતમાં ખરીફ
વાવણીના વિસ્તારમાં પાછલા એક સપ્તાહમાં 2.38 લાખ હેક્ટરનો વધારો થયો છે.
ગુજરાતમાં
ખરીફ વાવણી 78.55 લાખ હેક્ટરમાં થઇ છે. ગયા વર્ષના 81.02 લાખ હેક્ટર કરતા થોડી પાછળ
છે. જોકે સરેરાશ 85 લાખ હેક્ટર હોય ચે તેની તુલનાએ 92 ટકા વિસ્તાર આવરી લેવાયો છે.
અલબત્ત હવે વાવેતરનો અંતિમ તબક્કો ચાલી રહ્યો છે. માત્ર એરંડા અને ડાંગરના વાવેતરમાં
ફેરફાર થઇ રહ્યો છે.
એરંડા
ખરીફ મોસમના અંતિમ ચરણમાં વાવવામાં આવતો પાક છે. વરસાદ મોડો કે ઓછો હોય ત્યારે એરંડા
વવાતા હોય છે. જોકે એરંડા વાવી શકાય એટલું પાણી પણ અનેક તાલુકાઓમાં નથી એટલે વાવેતર
પાછળ રહી ગયું છે. એરંડાનો વિસ્તાર 4.72 લાખ હેક્ટર સુધી પહોંચી ગયો છે, ગયા વર્ષમાં
5.39 લાખ હેક્ટર હતુ. ગયા સપ્તાહમાં 1 લાખ હેક્ટર કરતા વધારે વિસ્તાર આવરાયો છે. એરંડાના
ભાવ સીઝનની ટોચ પર ચાલી રહ્યા છે છતાં વાવેતરમાં ગયા વર્ષ જેટલો ઉત્સાહ દેખાતો નથી
તે પાણીની ગંભીર સ્થિતિનું સૂચન કરે છે.
ડાંગરની
રોપણી ગયા વર્ષમાં 8.91 લાખ હેક્ટરમાં હતી તે સામાન્ય ઘટાડા સાથે 8.80 લાખ હેક્ટર થઇ
છે. જોકે સરેરાશ જેટલું વાવેતર થઇ ગયું છે. આ ઉપરાંત હવે થોડો વિસ્તાર કઠોળ અને થોડો
વિસ્તાર સોયાબીનમાં વધી રહ્યો છે. જોકે તેની ટકાવારી બહુ જ મામૂલી છે. તુવેરનું વાવેતર
સરેરાશ કરતા અને ગયા વર્ષની તુલનાએ વધારે થતાં 2.71 લાખ હેક્ટર રહ્યું છે. ખેડૂતોએ
તુવેરનો પાક આંતરપાક તરીકે લીધો છે.
સોયાબીનનો
વિસ્તાર 3.03 લાખ હેક્ટરનો રહ્યો છે. જે ગયા વર્ષમાં 2.77 લાખ હેક્ટર રહ્યો હતો. ખેડૂતો
કહે છે, પ્રવર્તમાન સમયે પિયતના પાણીની સમસ્યા થાય એમ છે. વરસાદ તાત્કાલિક ન પડે તો
પાક ઉતારા પર સીધી અસર આવશે. અનેક તાલુકાઓમાં ગયા વર્ષના પચ્ચાસ ટકા વરસાદ પણ પડય નથી
એટલે ચિંતા વધી છે.