રાજકુમાર જાટ ડ્રગ્સ અને દારૂનું સેવન કરતો હોવાની સરકારે રજૂઆત કરી : હાઈકોર્ટમાં રિપોર્ટ રજૂ : મૃતક 16 કલાકમાં 51 કિ.મી. ચાલ્યો
(અમારા પ્રતિનિધિ તરફથી ) અમદાવાદ,તા.25:
ગોંડલના રાજકુમાર જાટ અપમૃત્યુ કેસમાં રાજ્ય સરકારે કોર્ટમાં કેસ સંબંધિત મહત્વનો રિપોર્ટ
રજૂ કર્યો છે. હાઇકોર્ટના આદેશ બાદ રાજ્ય સરકારે કેટલાક પુરાવા પણ કોર્ટ સમક્ષ રજૂ
કર્યા છે. ખાસ કરીને રાજકુમાર જાટ નગ્ન અવસ્થામાં કેવી રીતે અને ક્યા સંજોગોમાં મળી
આવ્યા હતા? તે મુદ્દે અગાઉ હાઇકોર્ટે સવાલ કર્યા હતા. સરકારે તપાસ દરમિયાન સામે આવેલી
વિગતો કોર્ટ સમક્ષ રજૂ કરી છે. સરકારે કોર્ટમાં એક વીડિયો રજૂ કર્યો છે. જેમાં રાજકુમાર
જાટે જાતે જ કપડાં ઉતાર્યા હોવાનો દાવો કરાયો છે. સરકારની રજૂઆત મુજબ, મૃતક રાજકુમાર
જાટે માત્ર 16 કલાકમાં 51 કિલોમીટર જેટલું અંતર કાપ્યું હતું.
ગોંડલમાં રાજકુમાર જાટ નામના
યુવકનું માર્ચ 2025માં મૃત્યુ થયું હતું. પોલીસની પ્રાથમિક તપાસ મુજબ રાજકુમાર ગુમ
થયા બાદ ઇજાગ્રસ્ત હાલતમાં તરઘડિયા ગામ નજીકથી મળી આવ્યો હતો અને સારવાર દરમિયાન તેનું
મૃત્યુ થયું હતું. પરિવાર અને જાટ સમાજે આ ઘટનાને અકસ્માત નહીં પરંતુ હત્યા હોવાનો
આક્ષેપ કરી સીબીઆઈ તપાસની માગ કરી હતી. પરિવાર દ્વારા કરાયેલી અરજી સંદર્ભે ગુજરાત
હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં સરકાર તરફથી કોર્ટમાં રિપોર્ટ રજૂ કરવામાં
આવ્યો હતો તેમજ પેન ડ્રાઈવ સહિતના પુરાવા પણ રજૂ કરાયા હતા.
સરકારે કોર્ટને જણાવ્યું હતું
કે, તપાસ દરમિયાન સામે આવેલી માહિતી મુજબ, રાજકુમાર કપડાં ઉતાર્યા બાદ લાંબા સમય સુધી
ચાલતા રહ્યા હતા. મૃતકના મોબાઇલની તપાસ દરમિયાન અનેક વાંધાજનક અને નગ્ન વીડિયો મળી
આવ્યા હોવાની પણ સરકાર તરફથી હાઇકોર્ટમાં રજૂઆત કરાઈ છે. રાજકુમાર જાટ ડ્રગ્સ તથા દારૂનું
સેવન કરતા હોવાનો દાવો પણ સરકારે કોર્ટમાં કર્યો છે. એટલે કે ઘટનાના કારણો સમજવા માટે
મૃતકની શારીરિક સ્થિતિ, માનસિક સ્થિતિ, નશાની આદતો, મોબાઇલમાંથી મળેલા ડિજિટલ પુરાવા
અને ઘટનાક્રમને અલગ-અલગ રીતે તપાસવામાં આવ્યા હોવાનું સરકાર તરફથી કોર્ટને જણાવાયું
છે. હાઇકોર્ટ સમક્ષ સરકાર દ્વારા રજૂ કરાયેલા સંપૂર્ણ રિપોર્ટ, એફએસએલના તારણો, નિષ્ણાત
તબીબોના અભિપ્રાય, મોબાઇલમાંથી મળેલા વીડિયો અને અન્ય પુરાવાઓનું કોર્ટ દ્વારા અવલોકન
કરવામાં આવશે. આ કેસમાં આગામી દિવસોમાં વધુ સુનાવણી હાથ ધરાશે અને ત્યાર બાદ કોર્ટ
આગળ નિર્દેશ આપી શકે છે.