• સોમવાર, 31 ઑગસ્ટ, 2026

વડાપ્રધાન મોદી 8 સપ્ટેમ્બરે ગુજરાતમાં : વડોદરામાં 30 હજાર કરોડના વિકાસકામોની ભેટ આપશે

જનસભાને સંબોધશે; નેશનલ હાઇ વેના નવા બ્રિજ ખુલ્લા મૂકશે, નવસારીમાં નમો કમલમ કાર્યાલયનું લોકાર્પણ કરશે : 7 દિવસ ક્લીન અપ વડોદરા અભિયાન

રાજકોટ, તા.30 : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 8 સપ્ટેમ્બરે ગુજરાતની એક દિવસની મુલાકાતે આવવાના છે. આ દરમિયાન તેઓ વડોદરા અને નવસારીમાં વિવિધ વિકાસલક્ષી કાર્યક્રમોમાં હાજરી આપશે. વડોદરામાં રેલવે મંત્રાલય હેઠળના 30 હજાર કરોડથી વધુના વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ ઉપરાંત વડોદરા નજીક નેશનલ હાઇ વે પર નિર્મિત નવા બ્રિજોને પણ જનતા માટે ખુલ્લા મૂકવામાં આવશે.

વડોદરામાં યોજાનારા કાર્યક્રમમાં વડાપ્રધાન જનસભાને સંબોધશે. કાર્યક્રમને લઈને સ્થાનિક ભાજપ સંગઠન અને વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. શહેર ભાજપ પ્રમુખ ડૉ. જયપ્રકાશ સોનીના જણાવ્યા મુજબ, વડોદરા માટે વડાપ્રધાનની મુલાકાત સૌભાગ્યની વાત છે અને વિવિધ સરકારી વિભાગોના વિકાસકામોને આ કાર્યક્રમ સાથે જોડવામાં આવશે. કાર્યક્રમમાં સમાજના વિવિધ ક્ષેત્રના પ્રબુદ્ધ નાગરિકો, પ્રોફેસરો, શિક્ષકો, ડૉક્ટરો, એડવોકેટ્સ સહિતના વ્યાવસાયિકોને ખાસ આમંત્રણ આપવાનું આયોજન છે. લોકોને રજિસ્ટ્રેશન કરાવી કાર્યક્રમમાં સામેલ કરવા અંગે પણ વિચારણા ચાલી રહી છે.

વડાપ્રધાનનો કાર્યક્રમ 8 સપ્ટેમ્બરે સવારે યોજાવાનો છે, જોકે ચોક્કસ સમય અંગેની સત્તાવાર જાહેરાત હજુ બાકી છે. વડાપ્રધાન એક સ્થળેથી સંબોધન કરશે, જ્યારે વડોદરા શહેર અને જિલ્લામાં અનેક સ્થળોએ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ કરવાની યોજના છે. હાલના આયોજન મુજબ વડાપ્રધાનનો કોઈ રોડ શો યોજાવાનો નથી.

ડેપ્યુટી મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કાર્યક્રમ સ્થળની મુલાકાત લઈને તૈયારીઓની સમીક્ષા કરી હતી. ત્યારબાદ સર્કિટ હાઉસ ખાતે સાંસદ, શહેર ભાજપ પ્રમુખ, ધારાસભ્યો અને ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી કાર્યક્રમની રૂપરેખા અંગે ચર્ચા કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 8 સપ્ટેમ્બરે નવસારીની પણ મુલાકાત લેશે. ગ્રીડ હાઇ વે નજીક 10 કરોડના ખર્ચે અને 40 હજાર ચોરસ ફૂટ વિસ્તારમાં નિર્મિત ભાજપ જિલ્લા કાર્યાલય નમો કમલમનું તેઓ લોકાર્પણ કરશે.

1થી 7 સપ્ટેમ્બર સુધી ક્લીન અપ વડોદરા અભિયાન

વડાપ્રધાનની મુલાકાતને ધ્યાનમાં રાખીને વડોદરામાં સ્વચ્છતાને મુખ્ય થીમ બનાવવામાં આવી છે. 1થી 7 સપ્ટેમ્બર દરમિયાન શહેર અને જિલ્લામાં ક્લીન અપ વડોદરા નામે વિશાળ સ્વચ્છતા ઝુંબેશ ચલાવવાની જાહેરાત કરવામાં આવી છે.

 

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક