અમદાવાદ અને સુરતના એક-એક યાત્રી ગુમ થતા પરિવાજનો ચિંતાતુર
(અમારા
પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, તા.30: નેપાળમાં
જળપ્રયલની દુર્ઘટનામાં ગુમ થયેલા ગુજરાતી મૂળના લોકોની સંખ્યામાં છેલ્લા બે દિવસમાં
વધારો થયો છે. અમદાવાદના એક શખસ તથા સુરતની મહિલા સાથે અત્યાર સુધીમાં જળપ્રલય બાદ
ગુમ થયેલા કે સંપર્ક વિહોણા ગુજરાતીઓનો આંક વધીને 26 પર પહોંચ્યો છે. રાજ્યના સ્ટેટ
ઈમર્જન્સી ઓપરેશન દ્વારા તૈયાર કરાયેલી યાદી મુજબ રવિવારે સાંજ સુધીમાં મળેલી માહિતી
મુજબ કુલ 26 ગુજરાતીઓ ગુમ અથવા સંપર્કવિહોણા હોવાનું જણાયું છે, રાજ્ય સરકાર અને કેન્દ્ર
સરકાર નેપાળના સત્તાવાળઆઓ સાથે સતત સંપર્કમાં રહીને ગુમ થયેલા ગુજરાતીઓનો પત્તો લગાવવા
સક્રિય છે.
એસઈઓસી ખાતે ગઈકાલે મૂળ સુરતના અને દક્ષિણ આફ્રિકાના
સિટિઝન બાવિકા રામજી ગુમ થયા હોય તેમના સંબંધિઓએ પૂછપરછ માટે હેલ્પલાઈન પર કોલ કર્યો
હતો. આ ઉપરાંત રવિવારે ઓસ્ટ્રેલિયાના સિટિઝન અને મૂળ અમદાવાદના એવા અર્પણ કોઠારી પણ
ગુમ થયા હોય સુહાર મહેતા અને રીમુ મહેતા દ્વારા તેમની ભાળ મેળવવા માટે હેલ્પલાઈનનો
સંપર્ક કરવામાં આવ્યો હતો.
અર્પણ કોઠારી 26 ઓગસ્ટે કૈલાશ જર્ની ટ્રાવેલ એજન્સી
સાથે કૈલાસ માનસરોવરની યાત્રાએ ગયા હતા. છેલ્લી વખત તેમની સાથે 26 ઓગસ્ટે સંપર્ક થયો
હતો અને તેમનું વોટ્સએપ લાસ્ટ સીન સ્ટેટસ 7.20થી 8.30 વચ્ચે જણાયું હતું. તેઓ નેપાળના
તિમુરે રસુવા ખાતે હોવાનું માલૂમ પડ્યું હતું. પ્રાપ્ત વિગતો મુજબ અન્ય પાંચ ઓસ્ટ્રેલિયન
પ્રવાસી સાથે અર્પણ કોઠારી તિમુરેમાં એક લોજમાં રોકાયા હતા.