વિદ્યાર્થિનીને પ્રવેશ નહીં અપાતાં માતા દરવાજે બેભાન થઈ ગયાં, બાદમાં સંચાલકોની મધ્યસ્થીથી પ્રવેશ અપાતા મામલો થાળે પડયો
રાજકોટ,
તા. 30 : રાજકોટમાં આજે નીટ પીજીની પરીક્ષા સવારે 9થી 12.30 દરમિયાન લેવામા આવી હતી.
આ પરીક્ષામાં આત્મીય યુનિવર્સિટી ખાતેનાં કેન્દ્રમાં એક વિદ્યાર્થિની નિયત સમય કરતા
થોડી મોડી પડતા તેને કેન્દ્રમાં પ્રવેશ આપવા મામલે આનાકાની થતી હતી. આ મામલે માથાકૂટ
થયા બાદ વિદ્યાર્થિનીની માતા ચિંતાગ્રસ્ત થઈને પરીક્ષા કેન્દ્રના દરવાજા પર જ બેભાન
થઈ ગયાં હતાં. બાદમાં જોકે સંચાલકો દોડી આવ્યા હતા અને મધ્યસ્થી કર્યા બાદ વિદ્યાર્થિનીને
કેન્દ્રમાં પ્રવેશ ફાળવવામાં આવ્યા બાદ મામલો થાળે પડયો હતો.
ઉલ્લેખનીય
છે કે આજે ગુજરાતના 15 હજાર સહિત દેશભરમાંથી 2.73 લાખ જેટલા વિદ્યાર્થીઓએ નીટ પીજીની
પરીક્ષા આપી હતી. રાજકોટમાં ચાર કેન્દ્ર પર પરીક્ષા લેવાઈ હતી. જેમાં આત્મીય યુનિવર્સિટી
અને મેટોડા ખાતે પરીક્ષા કેન્દ્ર પર 1238 ઉમેદવાર પરીક્ષા આપવા ઉમટયા હતા.
રાજકોટમાં
પ્રવેશ મામલે હોબાળો થયા બાદ આવી જ ઘટના અમદાવાદમાંથી પણ સામે આવી હતી. જ્યાં સિલ્વર
ઓક યુનિ. ખાતે ત્રણ ઉમેદવાર મોડા પહોંચતા પરીક્ષા આપી શક્યા ન હતા. આ ત્રણેય વિદ્યાર્થી
સૌરાષ્ટ્રના હતા. જેમાં બે ઉમેદવાર બોટાદથી અને એક ઉમેદવાર જૂનાગઢના હતા.
પરીક્ષા
કેન્દ્રમાં પહેલા પ્રવેશ ન અપાયો અને બાદમાં પ્રવેશ અપાતા પરીક્ષા આપ્યા બાદ કેન્દ્રમાંથી
હસતા ચહેરે બહાર નીકળેલી વિદ્યાર્થિની મુસ્કાને મીડિયાને કહ્યું હતું કે, શરૂઆતમાં
આત્મીય યુનિવર્સિટીના પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં ન આવતા મુશ્કેલી પડી હતી.
જો કે બાદમાં એન્ટ્રી આપવામાં આવતા હું પરીક્ષા આપી શકી. પેપર લખવાનું પણ પૂરતો ટાઇમ
મળ્યો છે.
રાજકોટમાં
નીટ પીજીના પરીક્ષા કેન્દ્રમાં ધોરાજી સહિત સૌરાષ્ટ્રભરમાંથી ઉમેદવારો આવ્યા હતા. આ
વર્ષે ઉમેદવારોને 180 એમસીક્યૂ પ્રશ્ન આપવામાં આવ્યા છે. દરેક સાચા જવાબ માટે 4 માર્ક્સ
અપાશે અને ખોટા જવાબ માટે 1 માર્ક્સ કપાશે. પ્રશ્નપત્ર કુલ 720 માર્ક્સનું રહેવાનું
છે. પેપર પાંચ વિભાગમાં છે જેમાં દરેક વિભાગમાં 36 પ્રશ્ન માટે 42 મિનિટનો સમય ફાળવવામાં
આવ્યો છે. પરીક્ષામાં ગેરરીતિ અને ડમી ઉમેદવારોને રોકવા બાયોમેટ્રિક વેરિફિકેશન કરવામાં
આવ્યું હતું. ફિંગરપ્રિન્ટથી ઓથેન્ટિકેશન ન થઈ શકે તેવી સ્થિતિમાં આઇરિસ આધારિત ચકાસણીનો
પણ ઉપયોગ કરવાની વ્યવસ્થા રાખવામાં આવી હતી.