• મંગળવાર, 01 સપ્ટેમ્બર, 2026

ગુજરાત કોંગ્રેસનું નવું સંગઠન ટૂંક સમયમાં જાહેર કરાશે

વર્ષ 2027ની વિધાનસભા ચૂંટણીને લક્ષ્યમાં રાખી ઘડાઈ નવી રણનીતિ

4 કાર્યકારી ઝોન પ્રમુખ નિમાશે, 60 વર્ષ સુધીના નેતાઓને પ્રાથમિકતા, વફાદાર અને સક્રિય કાર્યકરોની જ પસંદગી

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ,તા.31 : ગુજરાત રાજ્યમાં આગામી 2027ની વિધાનસભા ચૂંટણીને હજુ સમય બાકી છે પરંતુ કોંગ્રેસ પક્ષે અત્યારથી જ પોતાની રણનીતિને આખરી ઓપ આપવાનું શરૂ કરી દીધું છે. રાજ્યમાં પક્ષને તળિયાના સ્તરથી ફરી બેઠો કરવા અને કાર્યકરોમાં નવો પ્રાણ પૂંરવા માટે ગુજરાત કોંગ્રેસ દ્વારા ટૂંક સમયમાં જ નવા સંગઠનની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.

લાંબા સમયથી અટકળો ચાલી રહી હતી કે પ્રદેશ નેતૃત્વમાં ફેરફાર થશે કે કેમ, પરંતુ સંગઠનની આ પુન: રચનામાં વર્તમાન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા હોદ્દા પર યથાવત રહેશે. હાઈકમાન્ડે તેમના અનુભવ અને નેતૃત્વ ક્ષમતા પર ભરોસો મૂકીને 2027ની ચૂંટણીની જવાબદારી તેમના શિરે રાખવાનો નિર્ણય કર્યો છે.

રાજ્યભરમાં કામગીરી સુચારુ રીતે ચાલે તે માટે ગુજરાતને ચાર અલગ-અલગ ઝોનમાં વહેંચીને 4 કાર્યકારી ઝોન પ્રમુખોની નિમણૂક કરવામાં આવશે. ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ અને મધ્ય ગુજરાત એમ ચારેય વિસ્તારના સ્થાનિક મુદ્દાઓ પર સીધી પકડ મજબૂત કરવા અને પ્રદેશ પ્રમુખને સંકલનમાં મદદ કરવા માટે આ ઝોન પ્રમુખો કામ કરશે.

સંગઠનને વધુ સક્રિય અને ઊર્જાવાન બનાવવા માટે આ વખતે વયમર્યાદાનો મહત્વનો માપદંડ નક્કી કરવામાં આવ્યો છે. નવા માળખામાં 60 વર્ષ સુધીની ઉંમર ધરાવતા નેતાઓ અને સક્રિય કાર્યકરોને પ્રાથમિકતા આપવામાં આવશે. કોંગ્રેસનું માનવું છે કે યુવા નેતૃત્વ મેદાન પર વધુ સક્રિયતાથી કામ કરી શકે છે અને ભાજપના મજબૂત ગઢ સામે આક્રમક રીતે લડી શકે છે.

આ નવા સંગઠનમાં માત્ર એવા જ ચહેરાઓને સ્થાન મળશે જેઓ પક્ષ પ્રત્યે સંપૂર્ણપણે વફાદાર રહ્યા હોય અને ભૂતકાળમાં પક્ષની પ્રવૃત્તિઓમાં સક્રિય ભૂમિકા ભજવી હોય. પક્ષમાંથી થતા પક્ષપલટા અને નિક્રિયતાને અટકાવવા માટે માત્ર પાયાના અને જમીની સ્તરે કામ કરતા કાર્યકરોની આકારણી કરીને જ હોદ્દા સોંપવામાં આવશે. આગામી દિવસોમાં હાઈકમાન્ડની આખરી મંજૂરી બાદ આ યાદી જાહેર કરાશે, જેનાથી ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક