2451 કરોડ ડિજિટલ વ્યવહાર સાથે યુપીઆઈ મોરચે નવો વિક્રમ
નવી દિલ્હી, તા. 1 ઃ?પશ્ચિમ એશિયામાં તાણ સહિત વિવિધ વૈશ્વિક પડકારો વચ્ચે પણ ભારતીય અર્થતંત્ર મજબૂત છે તેવા મોદી સરકારના દાવાને બળ આપતાં બે સમાચાર બે દિવસમાં મળ્યા છે. જીડીપીમાં વધારા બાદ મંગળવારે જીએસટીના મોરચે પણ મજબૂત વસૂલાતના વાવડ મળ્યા હતા. ઓગસ્ટમાં દેશમાં જીએસટીની કમાણી બે લાખ કરોડ રૂપિયા થઈ હતી.
તહેવારોની શરૂઆત અને મજબૂત ઘરેલુ માંગ વચ્ચે સરકારી આંકડા અનુસાર ઓગસ્ટ મહિનામાં વાર્ષિક આધાર પર 14.8 ટકાના
વધારા સાથે જીએસટી વસૂલાત 1,99,853 કરોડ
એટલે કે, બે લાખ કરોડ જેટલી રહી હતી.
ખાસ તો ઘરેલુ કારોબારમાંથી થયેલી જીએસટી આવક 9.3 ટકા વધીને 1.37 લાખ કરોડ રૂપિયા રહી હતી.
બીજી તરફ આયાતથી થતી જીએસટી કમાણી 29 ટકાના
મોટા ઉછાળા સાથે 62,604 કરોડ
રૂપિયા થઈ હતી.
દરમ્યાન રિફંડ રીકે 31,795 કરોડ
રૂપિયા જારી કરાયા હતા જે વીતેલા વર્ષની તુલનાએ 68 ટકા વધારે છે.
ઉલ્લેખનીય છે કે, એપ્રિલ-2026માં
2.43 લાખ કરોડની વસૂલાત સાથે સરકારને થતી જીએસટીની કમાણીએ વિક્રમ સર્જ્યો હતો.
બીજી તરફ, યુપીઆઈના માધ્યમથી થતા ડિજિટલ વ્યવહારોની સંખ્યાના મામલે પણ ભારતીયોએ નવો વિક્રમ સર્જ્યો?છે.
નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એનપીસીઆઈ) દ્વારા જારી આંકડા અનુસાર, ઓગસ્ટમાં 24.51 અબજ એટલે કે, 2451 કરોડ
યુપીઆઈ લેવડ-દેવડ થઈ જે અત્યાર સુધીનો વિક્રમ છે.
ઓગસ્ટ મહિના દરમ્યાન કુલ્લ 29.8 લાખ કરોડ રૂપિયાની લેવડ-દેવડ થઈ. વીતેલા વર્ષના સમાન સમયગાળાની તુલનાએ ઓગસ્ટમાં યુપીઆઈથી વ્યવહારનાં મૂલ્યમાં 20 ટકાનો
વધારો આવ્યો છે.
રક્ષાબંધન જેવા તહેવારો આવવાના કારણે ઓગસ્ટ મહિનામાં ડિજિટલ વ્યવહારોમાં તેજી આવી છે.