• મંગળવાર, 15 સપ્ટેમ્બર, 2026

અમદાવાદમાં મિલકતના વિવાદમાં બે રાઉન્ડ ફાયારિંગ

સમાધાન માટે ભેગા થયેલા પિતરાઈ ભાઈઓ વચ્ચે બોલાચાલી બાદ ઘટના : એક્સ આર્મીમેનને જાંઘમાં ગોળી વાગી, BSF જવાન ઝડપાયો

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ, તા. 14 : અમદાવાદના અર્બુદાનગર વિસ્તારમાં તક્ષશીલા સ્કૂલ નજીક કૌટુંબિક મકાનના વિવાદમાં ફાયારિંગની ઘટના બનતાં ચકચાર મચી ગઈ હતી. મકાનના વિવાદનો શાંતિથી ઉકેલ લાવવા માટે ત્રણ ભાઈઓ ભેગા થયા હતા. જોકે, વાતચીત દરમિયાન અચાનક બોલાચાલી થતાં મામલો ઉગ્ર બન્યો હતો અને બે રાઉન્ડ ફાયારિંગ થયું હતું.

ફાયારિંગમાં એક્સ આર્મીમેન રાજેશભાઈ હરિશંકરભાઈ પ્રજાપતિ (ઉં.54)ને જાંઘના ભાગે ગોળી વાગી હતી. ગંભીર ઈજા થતાં તેમને લોહીલુહાણ હાલતમાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

પ્રાથમિક વિગતો મુજબ, ઇજમાં ફરજ બજાવતા પ્રમોદ રામ પ્રસાદ શિવ દયાલ પ્રજાપતિ (ઉં.46)એ ઉશ્કેરાઈને પોતાના પિતરાઈ ભાઈ રાજેશભાઈ પર ફાયારિંગ કર્યું હતું. કૌટુંબિક મકાનના માલિકી હક અને વિવાદને લઈને બંને વચ્ચે અગાઉથી મતભેદ ચાલતા હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. પોલીસે ફાયારિંગ કરનાર પ્રમોદ પ્રજાપતિને ઝડપી લીધો હતો. તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. ઉપરાંત, ફાયારિંગમાં ઉપયોગમાં લેવાયેલું હથિયાર પણ પોલીસે કબજે કર્યું છે.મિલકતના વિવાદના સમાધાન માટે મળેલી બેઠક અચાનક લોહિયાળ બનતાં આસપાસના વિસ્તારમાં પણ ભારે ચકચાર મચી ગઈ હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક