અભ્યાસમાં દાવો : પાણીની ઉપલબ્ધતા
અને જનજીવન ઉપર ગંભીર જોખમની આશંકા
નવી દિલ્હી, તા. 14 : હિમાલય
ક્ષેત્રમાં જળવાયુ પરિવર્તનનો પ્રભાવ સાફ જોવા મળી રહ્યો છે. એક મહત્વપૂર્ણ અભ્યાસ
અનુસાર હિમાલય ઝડપથી એક ખતરનાક વળાંક તરફ આગળ વધી રહ્યો છે. ગ્લેશિયર એક દશક પહેલાની
તુલનામાં ઘણી ઝડપથી ઓગળી રહ્યા છે. ગ્લેશિયર ઓગળવાની ઝડપ 65 ટકા જેટલી વધુ છે. જેનાથી
પાણીની ઉપલબ્ધતા ઉપર ગંભીર અસર પડવાની આશંકા છે.
અભ્યાસમાં ચેતવણી આપવામાં આવી
છે કે મધ્ય શતાબ્દી સુધી આ ક્ષેત્ર મહત્તમ જળ પ્રવાહના બિંદુ સુધી પહોંચી જશે. ત્યારબાદ
નદીઓનું પાણી ઘટવા લાગશે. આ બદલાવ લાખો લોકોની આજીવિકા, ખેતી અને પાણીની સુરક્ષાને
પ્રભાવિત કરશે.
નેપાળમાં આવેલી આફત ગ્લેશિયરોની
વધતી અસ્થિરતાનું મોટું ઉદાહરણ છે. ગ્લેશિયર ઓગળી રહ્યા છે અને તેની પાછળ બરફના તળાવ
બની રહ્યા છે. આ તળાવ પથ્થરોથી રોકાયેલા હોય છે. જેની નીચે તળેટીમાં લાખો લોકો વસવાટ
કરે છે. કોઈપણ સમયે તળાવ ફાટતા વિનાશકારી પૂર આવી શકે છે.
આ અભ્યાસ સિસ્ટમિક નામક સ્થિરતા
સલાહકાર ફર્મે ઈન્ટીગ્રેટેડ માઉન્ટેન ઈનિશિએટિવ, ઈન્ટરનેશનલ સેન્ટર ફોર ઈન્ટીગ્રેટેડ
માઉન્ટેન ડેવલોપમેન્ટ અને ભારતના જીબી પંત નેશનલ ઈન્સ્ટીટયૂટ્સ ઓફ હિમાલયન એનવાયરનમેન્ટ
સાથે મળીને તૈયાર કર્યો છે.