લાંબા
વિરામ બાદ ટાણે જ મેઘરાજાના આગમનથી ખેડૂતોના ચહેરા પર ખુશી
વલભીપુરમાં
6, બોરસદમાં 5.51 અને ધોળકા-ગોંડલમાં 4 ઈંચ, નદી-નાળામાં નવાનીરની આવક : પોરબંદર પંથકમાં
વીજળી પડતા પશુપાલકનું મૃત્યુ
રાજકોટ,
તા.14: લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ગુજરાત પર આખરે મેઘરાજા મન મૂકીને વરસ્યા
છે. ગણેશ ચતુર્થીના પાવન દિવસથી શરૂ થયેલી મેઘમહેરે સોમવારે રાજ્યના અનેક વિસ્તારોમાં
રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. અમદાવાદ સહિત ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર
અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડતાં 250 તાલુકા વરસાદથી તરબતર બન્યા છે. ક્યાંક
થોડા કલાકોમાં જ ત્રણથી છ ઈંચ સુધી વરસાદ ખાબક્યો છે, તો ક્યાંક નદી-નાળામાં નવા નીર
આવતાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. વરસાદથી એક તરફ ખેડૂતોના મુરઝાતા ખરીફ પાકને જીવનદાન
મળતાં ખુશીની લહેર છે, તો બીજી તરફ શહેરોમાં રસ્તાઓ, અંડરપાસ અને નીચાણવાળા વિસ્તારોમાં
પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું છે.
રાજ્યમાં સૌથી વધુ ભાવનગરના વલભીપુરમાં 6 ઈંચ વરસાદ
નોંધાયો છે. ત્યારબાદ આણંદના બોરસદમાં 5.51 ઈંચ, વડોદરાના કરજણ અને મહેસાણામાં 4.17
ઈંચ, અમદાવાદના ધોળકામાં 4.13 ઈંચ, ભરૂચમાં 3.82 ઈંચ અને ખેડાના નડિયાદમાં 3.78 ઈંચ
વરસાદ નોંધાયો છે. અમદાવાદમાં ધોધમાર વરસાદથી અનેક વિસ્તારોમાં જળબંબાકાર સર્જાયો હતો.
નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા મીઠાખળી અંડરપાસ થોડા સમય માટે બંધ કરવો પડયો હતો.
વાસણા બેરેજના દરવાજા 1.5 ફૂટ ખોલી 4737 ક્યુસેક પાણી નદીમાં છોડાતા કિનારાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા
છે.
સૌરાષ્ટ્રમાં
પણ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. રાજકોટ જિલ્લાના ગોંડલમાં ધોધમાર 4 ઇંચ જેટલો
વરસાદ વરસ્યો છે તો રાજકોટ શહેરમાં પણ આજે સવારથી સાંજ સુધીમાં 2.5 ઇંચ જેટલો વરસાદ
વરસતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. જામકંડોરણામાં માત્ર બે કલાકમાં 88 મીમી, જ્યારે
કોટડા સાંગાણીમાં બે કલાકમાં 82 મીમી વરસાદ નોંધાયો હતો. બોટાદ જિલ્લામાં છેલ્લા
24 કલાકમાં ગઢડામાં 81 અને બોટાદમાં 78 મીમી વરસાદ પડયો છે. જૂનાગઢમાં વરસાદથી આણંદપુર
ડેમ ઓવરફ્લો થયો છે અને નદી-નાળામાં પૂર આવ્યું છે. પોરબંદરના કુતિયાણામાં 67 મીમી
વરસાદ નોંધાયો છે. જોકે કાંસાબડ ગામે વીજળી પડતાં પશુપાલક અને ભેંસનું મોત થતાં મેઘમહેર
વચ્ચે કરુણ ઘટના પણ બની છે. ગોંડલમાં અંડરબ્રિજમાં સ્કૂલ બસ ફસાઈ હતી, પરંતુ બાળકોને
સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી માહોલ છે. નવસારીના
ગણદેવીમાં 74 મીમી અને સુરત શહેરમાં 55 મીમી વરસાદ નોંધાયો છે. સુરતનો કોઝવે ઓવરફ્લો
થતાં વાહનવ્યવહારને અસર થઈ છે. હવામાન વિભાગે આગામી 48 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની
ચેતવણી આપી છે. લો પ્રેશર, સાયક્લોનિક સર્ક્યુલેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને મોન્સૂન
ટ્રફ જેવી હવામાન પ્રણાલીઓ સક્રિય હોવાથી વરસાદનું જોર યથાવત રહેવાની શક્યતા છે. ભારે
વરસાદની આગાહીને પગલે માછીમારોને આગામી બે દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.