• મંગળવાર, 15 સપ્ટેમ્બર, 2026

ગાંધીનગર સચિવાલયને બોમ્બની ધમકી આપનાર બિહાર-ઝારખંડમાંથી બે ઝડપાયા

5.13 લાખથી વધુ ઈ-મેઇલ આઈડી-પાસવર્ડ બનાવ્યાનો ખુલાસો

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ, તા. 14 : ગાંધીનગર સચિવાલય, કોર્ટ અને અમદાવાદની સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતા ઈ-મેઇલ મામલે ગુજરાત સાયબર સેન્ટર ઓફ એક્સલન્સની ટીમને મોટી સફળતા મળી છે. ટેકનિકલ તપાસના આધારે પોલીસે બિહાર અને ઝારખંડમાંથી બે શખસની ધરપકડ કરી છે.

10 સપ્ટેમ્બરે ગાંધીનગર સચિવાલયને ઈ-મેઇલ મારફતે બોમ્બની ધમકી મળ્યા બાદ સાયબર ટીમે તપાસ શરૂ કરી હતી. ઈ-મેઇલના ટેકનિકલ ટ્રાસિંગ દરમિયાન તેનું લોકેશન બિહારના ભાગલપુરમાં મળ્યું હતું. આ આધારે બિહાર પોલીસના સહયોગથી રોશન કુમારને ઝડપી લેવામાં આવ્યો હતો. વધુ તપાસમાં આ નેટવર્ક સાથે સંકળાયેલા ગુલશન કુમારનું લોકેશન ઝારખંડમાં મળતાં તેની પણ ધરપકડ કરવામાં આવી હતી.  તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. આરોપીઓ વર્ષ 2022થી ધમકીભર્યા ઈ-મેઇલ માટે ઈ-મેઇલ આઈડી અને પાસવર્ડ તૈયાર કરતા હોવાનું બહાર આવ્યું છે. અત્યાર સુધીમાં તેમણે 5,13,847થી વધુ ઈ-મેઇલ આઈડી અને પાસવર્ડ બનાવ્યા હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે. આ આઈડી-પાસવર્ડ અન્ય લોકોને વેચવામાં આવતા હોવાની પણ માહિતી મળી છે.

સાયબર તપાસ દરમિયાન બે ક્રિપ્ટો વોલેટ પણ મળી આવ્યા છે. આ વોલેટ દ્વારા કેટલા વ્યવહારો થયા, કોની સાથે નાણાકીય લેવડદેવડ થઈ અને સમગ્ર નેટવર્કમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે તે અંગે તપાસ ચાલી રહી છે.

ઇ-પેપરના નવા શુલ્ક