આગોતરા કપાસમાં ફાલ-ફૂલ વ્યાપક
પ્રમાણમાં ખરી પડયા : આગોતરી મગફળી ઝડપથી કાઢવી પડશે
રાજકોટ, તા. 15 (ફૂલછાબ ન્યૂઝ)
: સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ચોમાસુ ફરીથી સક્રિય થયું છે. ત્રણ દિવસથી વ્યાપક અને સાર્વત્રિક
વરસાદ પડી રહ્યો છે એનાથી ખેડૂતો રાજી છે પરંતુ ઉભા પાક પર પડેલા પાણીથી બગાડની પણ
બૂમ ઉઠી રહી છે. ખેડૂતોના કહેવા પ્રમાણે વરસાદથી આગોતરી મગફળી હોય કે કપાસ બધે નુક્સાનનો
પૂરો ભય છે. સમયસર વાવણી થઇ છે તેને પિયત જેટલો વરસાદ મળ્યો છે. કૂવા કે ચેકડેમ ભરાયા
હોય તેવું બહુ ઓછાં તાલુકામાં બન્યું છે. મેઘસવારી બે દિવસ બરાબર વરસે તો જ થોડાંઘણા
તળ સાજાં થાય તેમ છે.
ખેડૂતો કહે છે, આગોતરો કપાસ અને
આગોતરી મગફળી બન્નેમાં વરસાદથી ખાસ લાભ થાય તેમ નથી. રાજકોટના એક ખેડૂત કહે છે, મે
મહિનામાં વાવેલા કપાસ આગોતરા ગણાય છે, જેમાં અત્યારે ફાલ અને ફૂલ બેઠાં હોય છે, વરસાદ
અને પવનને લીધે તે ખરી જવાનો પ્રશ્ન મોટો છે. આવી ફરિયાદો ઠેરઠેરથી આવી રહી છે. ખેડૂતોએ
એ નુક્સાન સહન કરવું પડશે. અલબત્ત, જ્યાં પાણી હતુ નહીં ત્યાં જમીનોમાં ભેજ આવ્યો છે
એટલે ફરી ફાલ બેસે ને સારો રહેશે. બીજી તરફ વાવણીનો કપાસ હતો ત્યાં નુકસાન ઓછું છે.
ચાલુ વર્ષે કપાસ ઓછાં પાણીએ તૈયાર
થયો છે અને ખેડૂતોએ ટપક કે ઓછાં પાણી આપીને કપાસ જીવાડયો હતો એટલે કપાસની તંદુરસ્તી
ખૂબ સારી રહી છે. હવે વાવણીના કપાસને એક પિયતની સમસ્યા હલ થઇ ગઇ છે. હજુ જળસ્ત્રોતો
ખાલી છે એ ચિંતાનો વિષય છે.
જામનગરના એક ખેડૂત કહે છે, અમારા
પંથકમાં ઓછો વરસાદ હતો એટલે જ્યાં વરસાદ પડયાં છે ત્યાં ફાયદો છે. પાણીની સખત જરૂરિયાત હતી. બીજી તરફ કેનાલ કે સૌની
યોજનાના પાણી પિયત તરીકે આપી દીધાં હતા તેની ઉપર વરસાદ પડતા ઘણા ખેડૂતોને મુશ્કેલી
પણ પડી છે.
મગફળીના પાક અંગે વાત કરતા એક
અગ્રણી ખેડૂત કહે છેકે, આગોતરી ઓરવીને વાવેલી મગફળી અને વહેલી પાકતી જાતો ઉપર વરસાદ
પડયો છે એટલે આવી મગફળી વરસાદ અટકે એટલે તરત કાઢીને વેંચી દેવી પડશે. જો જમીનમાં રાખી
મૂકવામાં આવે તો બગાડનું જોખમ છે. જોકે નિયમિત વાવેતરની મગફળીનો તબક્કો પણ ઘણો આગળ
નીકળી ગયો છે. છતાં પાકમાં ઉતારામાં દસેક ટકા જેટલો ફરક પડી શકે છે. વરસાદ લંબાય તો
પિયત માટે સંગ્રણના પાણી પણ થોડા ઝાઝાં થઇ જશે. અત્યારે તો માત્ર એક પાણનો વરસાદ થયો
છે એમ ખેડૂત ભાષામાં કહેવાય છે.