• રવિવાર, 20 સપ્ટેમ્બર, 2026

કોઈનાં દબાણમાં ભારત કામ કરશે નહીં ઃ અમેરિકાને જવાબ

વિદેશ રાજ્યમંત્રી કીર્તિવર્ધન સિંહે કહ્યું, ભારત સ્વતંત્ર વિદેશ નીતિનું પાલન કરશે

નવી દિલ્હી, તા. 19 અમેરિકા દ્વારા સતત ઈરાન અને રશિયા સાથે સંબંધો રાખતા દેશો ઉપર દબાણની રણનીતિ અપનાવવામાં આવી રહી છે અને ચેતવણીઓ પણ મળે છે. તેવામાં ભારતના વિદેશ રાજ્ય મંત્રી કીર્તિ વર્ધન સિંહે રશિયા ઉપર પશ્ચિમી દેશો દ્વારા મૂકવામાં આવતાં પ્રતિબંધો અને ભારત ઉપર તેની સંભવિત અસર સંબંધિત સવાલ ઉપર સ્પષ્ટ વલણ અપનાવ્યું છે. કીર્તિવર્ધન સિંહે કહ્યું હતું કે, ભારત કોઈપણ બહારનાં દબાણ સામે નમ્યા વિના સ્વતંત્ર વિદેશ નીતિનું પાલન કરતું રહેશે અને દેશના લોકોનું હિત સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે.

વિદેશ રાજ્ય મંત્રીએ કહ્યું હતું કે, ભારતની જનતા એનડીએ સરકારની પહેલી પ્રાથમિકતા છે. દેશ અને નાગરીકોની આર્થિક મજબૂતી અને સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે દરેક જરૂરી પગલાં ભરવામાં આવશે. ભારત એક  સ્વતંત્ર વિદેશ નીતિ અપનાવે છે અને કોઈપણ બીજા દેશના કહેવા ઉપર કોઈ ગ્રુપનો હિસ્સો બનતા નથી. માત્ર પોતાના રાષ્ટ્રહિત માટે કામ કરવામાં આવે છે.

વિદેશી દેશો દ્વારા લાદવામાં આવેલા ટેરિફ ઉપર ભારતનો પક્ષ રજૂ કરતા કહેવામાં આવ્યું હતું કે, ખોટી રીતે થોપવામાં આવતા ટેરિફ પૂરી રીતે અયોગ્ય છે અને ભારત કોઈનાં દબાણમાં આવીને નિર્ણયો કરશે નહીં. દેશમાં ઊર્જા જરૂરિયાત અંગે ચર્ચા કરતા કીર્તિવર્ધન સિંહે કહ્યું હતું કે ઊર્જા સુરક્ષા માટે ચિંતાનો મુખ્ય વિષય છે.

ઇ-પેપરના નવા શુલ્ક