• રવિવાર, 27 સપ્ટેમ્બર, 2026

‘િવકાસ સાથે સ્વચ્છતા, પર્યાવરણ સંરક્ષણ અને છેવાડાના માનવીની સુખાકારી સરકારની પ્રાથમિકતા’

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભાવનગરને રૂ. 738 કરોડના 79 વિકાસકાર્યોની ભેટ આપી : નવી કલેક્ટર કચેરીનું પણ લોકાર્પણ

ભાવનગર, તા. 25: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાષ્ટ્રસેવા અને જનસેવાના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે દેશભરમાં ચાલી રહેલા સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભાવનગર શહેર-જિલ્લાને રૂ. 738.09 કરોડના 79 વિકાસકાર્યોની ભેટ આપી હતી. મુખ્યમંત્રીના હસ્તે વિવિધ વિકાસકાર્યોનું ઈ-લોકાર્પણ તથા ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકાસની રાજનીતિને નવી દિશા આપી છે. જનસેવાને કેન્દ્રમાં રાખીને છેવાડાના માનવી સુધી સરકારી યોજનાઓના લાભ પહોંચે અને સામાન્ય નાગરિકનું જીવન વધુ સુવિધાસભર બને તે માટે સરકાર સતત કાર્યરત છે. સ્વચ્છતા માત્ર સરકાર કે સફાઈ કર્મચારીઓની જવાબદારી નથી, પરંતુ દરેક નાગરિકની સહભાગિતાથી જ સ્વચ્છ શહેરનું નિર્માણ થઈ શકે છે. ભાવનગરના નાગરિકોએ સ્વચ્છતાને પોતાના સ્વભાવ અને સંસ્કારનો હિસ્સો બનાવ્યો છે તે આનંદની બાબત છે. વિકાસની સાથે ભાવિ પેઢી માટે પાણી અને પર્યાવરણનું સંરક્ષણ જરૂરી હોવાનું જણાવી તેમણે કેચ ધ રેઇન જેવી પહેલોને જનભાગીદારીથી આગળ ધપાવવા અપીલ કરી હતી. વરસાદી પાણીના મહત્તમ સંગ્રહ અને ભૂગર્ભજળના રિચાર્જ માટે આયોજનબદ્ધ પ્રયાસો કરવા પણ તેમણે અનુરોધ કર્યો હતો. વિકાસ ભી, વિરાસત ભીના મંત્ર સાથે સંસ્કૃતિ, સંસ્કાર અને પર્યાવરણનું જતન કરીને ટકાઉ વિકાસ તરફ આગળ વધવાની જરૂરિયાત પર પણ મુખ્યમંત્રીએ ભાર મૂક્યો હતો. એક પેડ મા કે નામ જેવી પહેલોમાં નાગરિકોની ભાગીદારી વધારવા તેમણે આહ્વાન કર્યું હતું.

કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયાએ જણાવ્યું હતું કે સૌનો સાથ, સૌનો વિકાસ મંત્ર સાથે જનસેવાને વધુ સુલભ બનાવવામાં આવી રહી છે. ભાવનગરની નવી કલેક્ટર કચેરી આધુનિક સુવિધાઓથી સજ્જ હોવાથી નાગરિકોને ઝડપી અને વધુ સુવિધાયુક્ત સેવાઓ મળી શકશે.

કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ભાવનગરના સર્વાંગી વિકાસને સતત વેગ મળી રહ્યો છે. આજે રૂ. 738 કરોડના 79 વિકાસકાર્યો જનતાને અર્પણ કરવામાં આવ્યા છે અને નવી કલેક્ટર કચેરીનું પણ લોકાર્પણ થયું છે. ભાવનગરની કનેક્ટિવિટી વધુ સુદૃઢ બનાવવા રૂ. 650 કરોડના મહત્વપૂર્ણ બ્રિજ પ્રોજેક્ટને મંજૂરી મળી હોવાનું તેમણે જણાવ્યું હતું.

 

 

 

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક