• શુક્રવાર, 25 સપ્ટેમ્બર, 2026

અમદાવાદમાંથી આંતરરાષ્ટ્રીય ગોલ્ડી બ્રાર ગેંગનો શૂટર આરિફ ‘િપસ્તોલ’ ઝડપાયો

ગોલ્ડી બ્રાર સામે દેશ-વિદેશમાં ખંડણી અને હત્યા સહિતના સંખ્યાબંધ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ, તા.24: અમદાવાદમાંથી આંતરરાષ્ટ્રીય ગેંગસ્ટર ગોલ્ડી બ્રાર ગેંગના કુખ્યાત શૂટર આરિફ ઉર્ફે ‘િપસ્તોલ’ની ધરપકડ કરવામાં અમદાવાદ પોલીસને મોટી સફળતા સાંપડી છે. વેજલપુર વિસ્તારમાંથી અમદાવાદ ક્રાઈમ બ્રાંચ, અમદાવાદ ગ્રામ્ય એસઓજી અને દિલ્હી પોલીસે હાથ ધરેલા સંયુક્ત ગુપ્ત ઓપરેશન દરમિયાન શૂટરને દબોચી લીધો હતો. આરિફની અટકાયતથી ગોલ્ડી બ્રાર ગેંગના પશ્ચિમ ભારતમાં સક્રિય નેટવર્કને મોટો ફટકો પડ્યો છે. આરિફ ઉર્ફે પિસ્તોલ હત્યાના પ્રયાસ, ફાયારિંગ, ખંડણી સહિતના 11 જેટલાં ગુનામાં વોન્ટેડ હતો. આરિફ ઘણા સમયથી ધરપકડ ટાળવા ઓળખ બદલીને છૂપાતો ફરતો હતો.

પોલીસે આ હાઈ-પ્રોફાઈલ ફરાર આરોપીને માહિતીના આધારે અનેક વિસ્તારોમાં કરાયેલી સઘન તપાસ બાદ એક ગુપ્ત ઓપરેશનમાં ઝડપી લીધો હતો. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરિફ આ સિન્ડિકેટ માટે એક મહત્ત્વપૂર્ણ ઓપરેશનલ કડી તરીકે કામ કરતો હતો. તે ગોલ્ડી બ્રારને ધમકીભર્યા કોલ કરવામાં અને મોટા પાયે ખંડણીનું રેકેટ ચલાવવામાં મદદ કરતો હતો. વિવિધ રાજ્યોમાં પોલીસની નજરથી બચવા માટે વારંવાર તેના છૂપાવાના સ્થળો બદલતો હતો અને પોતાની ઓળખ જાહેર કરતો નહતો. ગોલ્ડી બ્રાર પંજાબના ફરીદકોટ જિલ્લાનો વતની છે. તે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો નજીકનો સાથી છે. જેની ગેંગે વર્ષ 2022માં પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલા અને વર્ષ 2024માં કોંગ્રેસના મોટા ગજાના નેતા બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી લીધી હતી.

 

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક