• રવિવાર, 27 સપ્ટેમ્બર, 2026

મગફળીની નોંધણીમાં નથી ઉત્સાહ, નબળા ઉતારા-ચોમાસાની અસર 2.25 લાખ ખેડૂતો નોંધાયા : ગયા વર્ષે કુલ 9.21 લાખ ખેડૂતો નોંધાયા હતા

રાજકોટ,તા.25: (ફૂલછાબ ન્યૂઝ) લઘુત્તમ ટેકાના ભાવથી મગફળી વેંચવા માટે સરકારે નોંધણીનો આરંભ કર્યાને 14 દિવસનો ગાળો પૂર્ણ થઇ ગયો છે. કૃષિ વિભાગે આ ગાળામાં કુલ 2,25,556 ખેડૂતોની નોંધણી કરી છે. મગફળીના નબળા ઉતારા અને ભારે બગાડને લીધે આરંભે ઉત્સાહ નબળો છે. અનેક કેન્દ્રો પર નોંધણીમાં પડતી સમસ્યાને લીધે પણ અત્યારે ખેડૂતો થાક્યા છે.

સૌથી વધારે નોધણી રાજકોટ જિલ્લામાં 47,189 ખેડૂતોની થઇ છે. નોંધણીનું કાર્ય 9 ઓક્ટોબર સુધી ચાલવાનું છે એટલે હવે કેટલી નોંધણી થાય છે તે રસપ્રદ બનશે.

દરમિયાન ચાલુ વર્ષે મગફળીના પાકનું વાવેતર અનિયમિત વરસાદને લીધે બેથી ત્રણ તબક્કામાં કરવામાં આવ્યું છે. એ ઉપરાંત વરસાદની ખેંચને લીધે ઉતારામાં પણ મોટો કાપ છે. વળી, સપ્ટેમ્બરમાં પડેલા વરસાદને લીધે પાકમાં બગાડ-રોગ પણ ઘણા વિસ્તારોમાં થયેલો છે. એ કારણે મગફળીના ઉત્પાદન કે ઉતારા અંગે અત્યારે કોઇ મગનું નામ મરી પાડવા તૈયાર નથી. એવામાં સરકારે નોંધણી શરૂ કરતા ખેડૂતોમાં ઉહાપોહ છે. ખેડૂતો એવું માને છેકે સરકાર નોંધણી શરૂ કરાવીને પાકની સ્થિતિ જાણીને દુષ્કાળગ્રસ્ત તાલુકાની જાહેરાત કે મગફળીના નુક્સાનની ભરપાણ કરવાથી બચવા માગે છે. ખેડૂતો માને છેકે જે જિલ્લામાં વધારે નોંધણી થાય ત્યાં બગાડ ઓછો હશે એટલે સરકાર મદદે નહીં આવે. જોકે ગયા વર્ષમાં 1 સપ્ટેમ્બરથી મગફળીની નોંધણી શરૂ કરી દેવામાં આવી હતી. આમ પાછલા વર્ષથી નવ દિવસ મોડું થયું છે. એક મહિના સુધી નોંધણી થવાની છે.

ગયા વર્ષે નોંધણીનો સમય પૂરો થયો ત્યારે આશરે 9.21 લાખ ખેડૂતોએ સરકારને મગફળી વેંચવા માટે નોંધણી કરાવી હતી. 

પાછલા વર્ષે નાફેડ અને એનસીસીએફ એમ બે સંસ્થાઓ દ્વારા આશરે 18 લાખ ટન કરતા વધારે મગફળી રૂ. 1452.60ના ભાવથી ખરીદવામાં આવી હતી. ચાલુ વર્ષે રૂ. 1503.40નો ભાવ પ્રતિ મણ નક્કી કરવામાં આવ્યો છે. સરકાર નવી મોસમમાં પ્રત્યેક ખેડૂત પાસેથી 200 મણ કરતા વધારે ખરીદી કરે તે માટેની માગણી કરવામાં આવી છે.

ઇ-પેપરના નવા શુલ્ક