• શુક્રવાર, 25 સપ્ટેમ્બર, 2026

પોરબંદરના ‘ગોલ્ડન ગાંધી’એ રચ્યો ઇતિહાસ : સતત ત્રીજી વખત એશિયામાં પ્રથમ ક્રમે

કડિયા કામ કરનાર સામાન્ય શ્રમિકે 262 વિશ્વ વિક્રમો સાથે આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાત અને ભારતનું નામ રોશન કર્યું

(ફૂલછાબ ન્યુઝ)

પોરબંદર, તા.24 : ગાંધીજીની જન્મભૂમિ પોરબંદરના ભોઈ સમાજના અતિ સામાન્ય પરિવારમાંથી આવતા અને કડિયા કામ જેવી સખત મજૂરી કરીને ગુજરાન ચલાવતા જયેશ હિંગળાજિયા (ગોલ્ડન ગાંધી)એ ફરી એકવાર આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું ગૌરવ વધાર્યું છે. દક્ષિણ કોરિયા ખાતે યોજાયેલા એશિયા સ્તરના પસંદગી રાઉન્ડમાં તેમણે 262 વિશ્વ વિક્રમો સાથે સમગ્ર એશિયામાં પ્રથમ સ્થાન મેળવ્યું છે.

તાજેતરમાં દક્ષિણ કોરિયામાં યોજાયેલા આ કાર્યક્રમમાં ચીન, દક્ષિણ કોરિયા, વિયેતનામ, શ્રીલંકા, ભારત, બાંગ્લાદેશ, સિંગાપુર અને થાઈલેન્ડ સહિતના દેશોના સ્પર્ધકો ઉપસ્થિત રહ્યા હતા. આ યાદીમાં પોરબંદરના જયેશભાઈ 262 વિક્રમો સાથે પ્રથમ, ચીનના સ્પર્ધક 234 વિક્રમો સાથે બીજા અને દક્ષિણ કોરિયાના સ્પર્ધક 208 વિક્રમો સાથે ત્રીજા ક્રમે રહ્યા છે. ખાસ નોંધનીય છે કે જયેશભાઈએ સતત ત્રીજી વખત એશિયાના પ્રથમ વિશ્વ વિક્રમ ધારક તરીકેનું બહુમાન પ્રાપ્ત કર્યું છે. તેમની આ અદ્ભુત સિદ્ધિ બદલ વિયેતનામ સ્થિત વર્લ્ડ રેકોર્ડ યુનિવર્સિટી (યુકે) દ્વારા તેમને માનદ પીએચ.ડી.ની પદવી એનાયત કરવામાં આવી છે. આ ઉપરાંત, બીબીસી અને નેશનલ જિયોગ્રાફિક જેવી વૈશ્વિક સંસ્થાઓએ પણ તેમના કાર્યોની નોંધ લીધી છે. મર્યાદિત સાધનો અને કઠિન પરિસ્થિતિ વચ્ચે પણ અડગ મનોબળ અને સખત મહેનતથી કેવી રીતે સફળતા મેળવી શકાય, તેનું ઉત્તમ ઉદાહરણ તેમણે પૂરું પાડયું છે.

હવે આગામી જાન્યુઆરી મહિનામાં લંડન ખાતે વિશ્વસ્તરની અંતિમ પસંદગી પ્રક્રિયા યોજાવાની છે. એક સામાન્ય મજૂર પરિવારથી શરૂ થયેલી તેમની આ સફર આજે દેશના યુવાનો માટે સંઘર્ષ વચ્ચે પણ લક્ષ્ય તરફ આગળ વધવાની પ્રેરણાસ્રોત બની રહી છે.

ઇ-પેપરના નવા શુલ્ક