બાળકોને માર મારવા, પૂરતું ભોજન ન આપવા અને મોડી રાત્રે કામ કરાવવાના આક્ષેપો
કલેક્ટરની સૂચનાથી સરપ્રાઈઝ ચાકિંગમાં
ચોંકાવનારી વિગતો સામે આવી : ગૃહમાતાની અટકાયત કરાઈ
વઢવાણ, તા.2 : વઢવાણમાં માનવ
સેવા સંઘ સંચાલિત મૂક-બધિર શાળાની આશ્રમ શાળામાં દિવ્યાંગ બાળકો સાથે માનસિક અને શારીરિક
શોષણ થતું હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. જિલ્લા કલેક્ટરની સૂચનાના આધારે વઢવાણ
પ્રાંત અધિકારીની ટીમે શાળામાં અચાનક સરપ્રાઈઝ ચાકિંગ હાથ ધરતાં સમગ્ર મામલો પ્રકાશમાં
આવ્યો હતો. તપાસ બાદ પોલીસે ગૃહમાતા સોનલબેન ચૌહાણને તાબામાં લઈને કાયદેસરની કાર્યવાહી
શરૂ કરી છે.
સુરેન્દ્રનગરની આ વિશિષ્ટ શાળામાં
હાલ 42 મૂક-બધિર બાળકો અભ્યાસ કરી રહ્યા છે. આ બાળકો બોલી કે સાંભળી શકતા ન હોવાથી
પોતાની તકલીફો સરળતાથી કોઈને જણાવી શકતા ન હતા. આ પરિસ્થિતિનો ગેરલાભ લેવાયો હોવાના
આક્ષેપો તપાસ દરમિયાન સામે આવ્યા છે.
મળતી વિગતો મુજબ બાળકોને નાની-નાની
બાબતોમાં માર મારવો, પૂરતું અને ગુણવત્તાયુક્ત ભોજન ન આપવું તેમજ મોડી રાત્રે શાળા
અને હોસ્ટેલના કામ કરાવવાના આક્ષેપો છે. કેટલીક દિવ્યાંગ દીકરીઓ પાસે અંગત કામો કરાવવામાં
આવતા હોવાના પણ ગંભીર આક્ષેપો થયા છે. બાળકોના કલ્યાણ માટે દાતાઓ તરફથી અનાજ, વિવિધ
ચીજવસ્તુઓ અને રોકડ દાન મળતું હોવા છતાં તેનો યોગ્ય ઉપયોગ થયો કે નહીં તે અંગે પણ શંકા
વ્યક્ત થઈ છે. પોલીસે આર્થિક ગેરરીતિના મુદ્દે તપાસ હાથ ધરી છે.
શાળાના એટેન્ડન્ટ/સંચાલક પ્રશાંત
ભટ્ટ સામે બાળકો પાસે મજૂરી કરાવવાના તેમજ શાળા પરિસરમાં નશીલા પદાર્થોનું સેવન કરવાના
આક્ષેપો થયા છે. વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા તેમની ભૂમિકા અંગે પણ તપાસ કરવામાં
આવી રહી છે. હાલ વઢવાણ પોલીસ દ્વારા બાળકોના નિવેદનો લેવા તેમજ અન્ય કર્મચારીઓની પૂછપરછની
કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તપાસ પૂર્ણ થયા બાદ સમગ્ર હકીકત વધુ સ્પષ્ટ થશે.