• શનિવાર, 10 ઑક્ટોબર, 2026

દિલ્હીમાં CJP પ્રદર્શન પૂર્વે અમદાવાદમાં અનેક કાર્યકરોની અટકાયત

સામાજિક કાર્યકરોને ડીટેઈન કરી પોલીસ દ્વારા પૂછપરછ કરાઈ, કેટલાકને નજરકેદ હેઠળ

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ, તા.9: દિલ્હીમાં કોકરોચ જનતા પાર્ટી (સીજેપી) દ્વારા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના વિરોધમાં યોજાનારા પ્રદર્શન પહેલાં ગુજરાતમાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ સહિત ગુજરાત પોલીસની વિવિધ ટીમો દ્વારા રાજકીય કાર્યકરો, નાગરિક અધિકાર ચળવળકર્તાઓ, સામાજિક કાર્યકરો અને અન્ય નાગરિકોને ડિટેઇન કરવા, પોલીસ સ્ટેશનમાં લઇ જઇ પૂછપરછ કરવામાં આવી હોવાનો દાવો કરાયો છે.

દિલ્હી ખાતે યોજાનારા વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા જઈ રહેલા અમદાવાદના નાટ્યકર્મી જીજ્ઞા વ્યાસ, નાગરિક અધિકાર ચળવળકર્તા દેવ દેસાઈ, ચૂનીભાઈ વૈદ્ય સાથે સંકળાયેલા સ્નેહ ભાવસાર, ધીરૂ દેસાઈ અને દલિત કર્મશીલ સુબોધ કુમુદને પોલીસે ડિટેઇન કર્યા હોવાની માહિતી સામે આવી છે. આ ઉપરાંત કેટલાક કાર્યકરોના ઘરની બહાર પોલીસનો પહેરો બેસાડવામાં આવ્યો હોવાનો પણ આક્ષેપ છે. આ ઘટનાને પગલે રાજકીય અને નાગરિક અધિકાર ક્ષેત્રે સક્રિય લોકોમાં પોલીસની કામગીરીને લઈને ચર્ચા શરૂ થઈ છે.

કાર્યકરોનો દાવો છે કે દિલ્હી ખાતેના વિરોધ પ્રદર્શનમાં કોણ ભાગ લેવા જઈ રહ્યું છે, તેની માહિતી મેળવવા માટે પોલીસ દ્વારા અલગ-અલગ સ્થળે કાર્યવાહી કરવામાં આવી રહી છે. સીજેપી અમદાવાદના કન્વીનર જય ઠક્કરે પણ જણાવ્યું હતું કે, ભરૂચ અને સુરતમાં પક્ષ સાથે સંકળાયેલા લોકો સામે પણ પોલીસ દ્વારા પૂછપરછ અને નજરકેદ કરાયાનું જાણવા મળ્યું છે. પોલીસ દ્વારા માત્ર જાણીતા રાજકીય કે સામાજિક કાર્યકરો જ નહીં, પરંતુ વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવાની સંભાવના ધરાવતા અન્ય નાગરિકોનો પણ સંપર્ક કરવામાં આવી રહ્યો છે. કેટલાક લોકોને તેમના વ્યવસાય, રાજકીય પ્રવૃત્તિઓ અને દિલ્હી જવાની યોજના અંગે સવાલો પૂછવામાં આવી રહ્યા છે. 

દિલ્હીથી મળેલી સૂચનાને આધારે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી હોવાની ચર્ચા કેટલાક પોલીસ અધિકારીઓ કરી રહ્યા હોવાનું જણાયું હતું. દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે શંકાસ્પદ વ્યક્તિઓને રોકવામાં આવી રહ્યા હોવાનું માનવામાં આવે છે. જો કે પોલીસ દ્વારા ક્યા કાયદાકીય આધાર હેઠળ કાર્યકરોની અટકાયત કરાઈ છે અને આ કાર્યકરો સામે ક્યો ગુનો દાખલ કરાયો છે તેની સ્પષ્ટ માહિતી ઉપલબ્ધ નથી.

 

ઇ-પેપરના નવા શુલ્ક