વીજ માગમાં થયેલો અનિયંત્રિત વધારો અને પુરવઠાની સ્થિતિ નાજુક : ઉદ્યોગગૃહો અને પીજીવીસીએલ માટે ઘેરાતી ચિંતા
રાજકોટ,
તા. 17 : પ્રકાશના પર્વ દિવાળી આડે ત્રણેક સપ્તાહ જેટલો સમય બાકી છે, બરાબર ત્યારે
જ સૌરાષ્ટ્ર-કચ્છ પર કાળી ચૌદસ જેવા અંધારાનું વીજ સંકટ તોળાઈ રહ્યું છે. વર્તમાન સમયમાં
પીજીવીસીએલ પુરવઠાના મોટા દબાણનો સામનો કરી રહ્યો છે ત્યારે વીજ માગમાં થયેલો અનિયંત્રિત
વધારો અને વીજ પુરવઠાની સ્થિતિ નાજુક બનતા ઉદ્યોગગૃહો અને પીજીવીસીએલ માટે આ બાબત ચિંતાનો
વિષય બની છે.
પશ્ચિમ
ગુજરાત વીજ કંપની લિમિટેડ સૌરાષ્ટ્ર અને કચ્છના રાજકોટ, જામનગર, જૂનાગઢ, કચ્છ, અમરેલી,
ભાવનગર, મોરબી, વગેરે 12 જિલ્લાઓમાં વીજ વિતરણનું વિશાળ નેટવર્ક સંભાળે છે. જેમા
60 લાખ જેટલા ગ્રાહકો જોડાયેલા છે. જેમાં કૃષિ
અને ઔદ્યોગિક ગ્રાહકોનો મોટો હિસ્સો છે.
સૂત્રોમાંથી
પ્રાપ્ત વિગતો અનુસાર વર્તમાન સમયે ક્ષેત્રમાં જ વીજ માંગ 10,500થી 11,500 મેગાવોટની
સપાટી વટાવી ગઈ છે.
સૌરાષ્ટ્ર-કચ્છમાં
વારાફરતી વીજ કાપ રખાશે
તાજેતરમાં
પીજીવીસીએલના મેનેજીંગ ડિરેક્ટર દ્વારા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ સાથે
બેઠક યોજાઈ હતી. જેના અનુસંધાને રાજકોટ ચેમ્બરે તમામ ઔદ્યોગિક એસોસિએશનને જણાવ્યું
છે કે વીજ માગના વ્યવસ્થાપન અને ગ્રીડની સ્થિરતાની સાથે વીજ પુરવઠો જાળવવાનો પ્લાન
તૈયાર કરાયો છે ત્યારે સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લામા સ્ટેગરીંગ એટલે કે વારા ફરતી
વીજ કાપ રાખવામા આવશે. રાજકોટ જિલ્લાના ઔદ્યોગિક વિસ્તારમા સપ્તાહના દર બુધવારે બપોરે
4થી રાત્રે 11 સુધી વીજકાપ રાખવામા આવશે. જોકે કન્ટીન્યુ પ્રોસેસ વાળા ઔદ્યોગિક એકમોને
આ વીજ કાપમાંથી બાકાત રાખવામા આવશે.