115 રનના લક્ષ્યાંક સામે ટોપ ઓર્ડરનો ધબડકો; દીપ્તિના 49 અને નિકીના 39 રને જીત અપાવી
નવી
દિલ્હી, તા.16: ઝિમ્બાબ્વે સામે રમાયેલી પ્રથમ ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં ભારતીય મહિલા
ટીમે શરૂઆતી આંચકાઓમાંથી બહાર આવીને 4 વિકેટે વિજય મેળવ્યો છે. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ
ત્રણ મેચોની ટી20 શ્રેણીમાં 1-0ની સરસાઈ હાંસલ કરી લીધી છે. પ્રથમ બાટિંગ કરતા ઝિમ્બાબ્વેની
ટીમે 20 ઓવરમાં 5 વિકેટે 114 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમે 15.4 ઓવરમાં 6 વિકેટ
ગુમાવીને 116 રન બનાવી લક્ષ્યાંક સરળતાથી પ્રાપ્ત કરી લીધો હતો.
ટોસ
હારીને પ્રથમ બાટિંગમાં ઉતરેલી ઝિમ્બાબ્વેની શરૂઆત નબળી રહી હતી અને બિઝા શૂન્ય રને
પેવેલિયન પરત ફરી હતી. જોકે, કેલીસ ન્ડલોવુના 42 રન અને શાર્ને માયર્સના 43 રનથી સ્કોર
100ને પાર થયો હતો. ભારતીય બોલર નંદની શર્માએ બે જ્યારે અરુંધતી રેડ્ડી, ક્રાંતિ ગૌડ
અને શ્રી ચરણીએ એક-એક બેટ્સમેનને પેવેલિયન ભેગા કર્યા હતા.
115
રનના સાધારણ લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત નિરાશાજનક રહી હતી. ઝિમ્બાબ્વેની
બોલર ન્યાશા ગ્વાન્ઝુરાએ કેપ્ટન સ્મૃતિ મંધાના (9 રન), શફાલી વર્મા (4 રન) અને અનુષ્કા
બ્રિજમોહન શર્મા (4 રન)ને સસ્તામાં આઉટ કર્યા હતા. હરમનપ્રીત કૌર પણ માત્ર 1 રન બનાવી
મિશેલ માવુંગાનો શિકાર બની હતી. જોકે, અનુભવી ઓલરાઉન્ડર દીપ્તિ શર્મા અને નિકી પ્રસાદે
ઇનિંગ્સની કમાન સંભાળી હતી. દીપ્તિ 49 રનની ઇનિંગ રમી આઉટ થઈ હતી, બીજા છેડેથી નિકી
પ્રસાદે 39 રન બનાવી વિજય અપાવ્યો હતો.