ખાંડ ખૂબ મોંઘી થતાં મીઠાઇમાં કિલોએ રૂ. 20નો ભાવવધારો : મીઠાઇમાં ખાંડનું તત્વ 50 ટકા જેટલું
રાજકોટ,તા.17:
(ફૂલછાબ ન્યૂઝ) મીઠી ચીજો-મીઠાઇઓનો સ્વાદ માણવાના દશેરાના મોટાં તહેવારમાં ખાંડના ભાવમાં
તીવ્ર વધારો થતાં વપરાશકારોને ખર્ચ વધી જાય તેમ છે. દૂધ, માવો, સૂકામેવાના ભાવ ઉંચા
છે જ એવામાં મીઠાઇમાં 30થી 50 ટકા સુધીનું તત્વ ધરાવતી ખાંડના ભાવે માઝા મૂકી છે. ખાંડમાં
દશેરાની જથ્થાબંધ માગ પૂરી થઇ ગઇ છે પરંતુ ઓક્ટોબરમાં 11 ટકાનો અર્થાત છૂટકમાં રૂ.
6થી 7 પ્રતિ કિલોનો વધારો હવે ગ્રાહકોને મીઠાઇના સ્વરૂપે ભોગવવો પડશે.
દશેરાએ
ખાંડમાં તરબોળ મીઠાઇઓ વધારે વેંચાતી હોય છે એટલે હવે ખાંડના નામે મીઠાઇનો ભાવ કિલોએ
રૂ. 15થી 20 જેટલો ઉંચો થઇ ગયો છે. ખાંડનો ભાવ રાજકોટની રિટેઇલ બજારમાં રૂ. 56થી
58 આસપાસ ચાલે છે. ઓક્ટોબરના આરંભે રૂ. 49થી 51નો ભાવ હતો. જ્યારે ગઇ દશેરાએ રૂ.
43-45નો ભાવ હતો. ખાંડના ભાવે માઝા મૂકી છે ત્યારે મીઠાઇનો ભાવ વધી ગયો છે.
નબળા
વર્ષને લીધે શેરડીનું ઉત્પાદન ઓછું થશે. પાછલા વર્ષના પુરવઠાની ખેંચ છે અને નિકાસમાં
પણ થોડો જથ્થો જતો રહ્યો છે. એ કારણે ખાંડના ભાવ ગયા વર્ષ કરતા ખાસ્સા વધીને રૂ.
66-70 સુધી તાજેતરમાં પહોંચ્યા હતા. જોકે સપ્ટેમ્બરમાં મોટાં ઘટાડા પછી ઓક્ટોબરમાં
ફરી વધારો થતાં વપરાશકારો ચોંકી ઉઠ્યા છે.
ખાંડના
જથ્થાબંધ વેપારી કહે છેકે, સરકારે સ્ટોક મર્યાદા નાંખી છે, વેચાણ માટે પંદર દિવસના
ક્વોટા જાહેર કર્યા છે છતાં તેજી ખાસ કાબૂમાં રહેતી નથી. ઓક્ટોબરના પંદર દિવસમાં ઉત્તરપ્રદેશનો
ક્વોટા નીચો આપવામાં આવ્યો હતો. પરિણામે અન્ય રાજ્યોની માગ ગુજરાત અને મહારાષ્ટ્રમાં
આવી આમ ખાંડના ભાવ ફરીથી ઉંચકાઇ ગયા છે. તહેવારો ટાંકણે સરકારના અનેક પ્રયત્નો છતાં
ખાંડના ભાવ કાબૂમાં આવતા નહીં હોવાથી સરકારે ફરીથી સક્રિય થવું પડ્યું છે.
સરકારે
નવા ઉત્પાદનમાં કેટલીક રાહતો આપી છે, ઇથેનોલમાં વપરાશ માટે પણ કડક નિયંત્રણ લાદ્યા
છે. એ જોતા નવા સપ્તાહમાં ખાંડના ભાવ ફરીથી થોડાં નીચાં આવી શકે છે. અલબત્ત, ઉત્તરપ્રદેશનો
ક્વોટા ફરીથી ઓછો આવે તો ખાંડના ભાવ ઘટવા મુશ્કેલ પણ બની શકે.