• રવિવાર, 18 ઑક્ટોબર, 2026

કોલકાતામાં ચોરબાગાન દુર્ગા પૂજા પંડાલમાં નાસભાગ : 18નાં મૃત્યુ

-વરસાદના કારણે પંડાલમાં ભીડ થયા બાદ અફરાતફરી મચી : 40 ઘાયલ હોસ્પિટલમાં દાખલ : સીએમ શુભેન્દુ પીડિતોને મળવા પહોંચ્યા

-પીએમ મોદી અને ગૃહ મંત્રી શાહે દુ:ખ વ્યક્ત કર્યું

 

કોલકાતા, તા. 17 : પશ્ચિમ બંગાળના કોલકાતામાં આવેલા ચોરબાગાનના દુર્ગા પંડાલમાં શનિવારે રાત્રે ભાગદોડ મચી હતી અને દુર્ઘટનામાં 18 લોકોના મૃત્યુ થયા હતા. મૃતકોમાં ત્રણ પુરૂષ, એક બાળક અને 13 મહિલા સામેલ હોવાના શરૂઆતી અહેવાલ સામે આવ્યા હતા. આ ઉપરાંત 40થી વધારે લોકો ઘાયલ થયા હતા, જેઓને કોલકાતા મેડિકલ કોલેજમાં દાખલ કરાવવામાં આવ્યા હતા. ભીડ ભારે વધી ગયા બાદ દુર્ગા પૂજાના પંડાલનો એક હિસ્સો તૂટયો હતો અને બાદમાં અફરાફતરી મચી હોવાની શરૂઆતી જાણકારી સામે આવી હતી. જો કે આયોજકોએ કહ્યું હતું કે દુર્ઘટના કેવી રીતે થઈ તે હજી સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી.

ગૃહ મંત્રી અમિત શાહે ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યુ હતું અને આવતીકાલે પોતે ઘાયલોને મળવા જશે તેવી જાણકારી આપી હતી. વધુમાં આવતીકાલના બંગાળના પોતાના તમામ કાર્યક્રમો પણ રદ્દ કર્યા હતાં. વધુમાં પીએમ મોદીએ પણ ઘટના ઉપર દુ:ખ વ્યક્ત કરીને પીડિતો માટે આર્થિક સહાયની ઘોષણા કરી હતી.

દુર્ગા પૂજા દરમિયાન પંડાલમાં અચાનક ભીડનું દબાણ વધ્યું હતું. વરસાદથી બચવા માટે બહાર રહેલા લોકો પંડાલની અંદર પહોંચવા લાગ્યા હતા, જયાં પહેલાથી ભારે ભીડ હતી.

આ દરમિયાન પંડાલનો એક હિસ્સો તૂટી પડયો હતો અને જોતજોતામાં અફરાતફરી મચી હતી. વધુમાં ચોરબાગાન ઉત્તર કોલકાતાનો ગાઢ વસતી ધરાવતો વિસ્તાર છે. જ્યાં સડકો અને શેરી સાંકડી છે. દુર્ગા પૂજા દરમિયાન મોટાપાયે લોકો પહોંચતા અવરજવર પહેલાથી જ મુશ્કેલ બને છે. જો કે પંડાલનું માળખું કયા કારણે તુટયું તેની સત્તાવાર પુષ્ટિ થઈ નહોતી. બીજી તરફ પોલીસ અને પ્રશાસનની ટીમ સ્થળ ઉપર પહોંચી હતી અને સ્થિતિ સંભાળવામાં આવી હતી, તેમજ ઘાયલોને બને તેટલી ઝડપથી હોસ્પીટલે પહોંચાડવાની કવાયત શરૂ કરવામાં આવી હતી.

દુર્ઘટના બાદ ઘાયલોને ઈલાજ માટે કોલકાતા મેડિકલ કોલેજે લઈ જવામાં આવ્યા હતા. આ ઉપરાંત સીએમ શુભેન્દુ અધિકારી અને મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ કોલકાતા મેડિકલ કોલેજ પહોંચ્યા હતા. પુર્વ સીએમ મમતા બેનરજીએ પણ દુર્ઘટના ઉપર દુ:ખ વ્યક્ત કર્યું હતું અને ઘાયલો માટે ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી હતી. ઉલ્લેખનીય છે કે ચોરબાગાન દૂર્ગા પૂજા પંડાલ 91 વર્ષથી થઈ રહ્યો છે. જે ભક્તો વચ્ચે ખુબ જ લોકપ્રિય છે અને દર તહેવારમાં મોટી સંખ્યામાં લોકો અહિં પહોંચતા હોય છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક