• સોમવાર, 19 ઑક્ટોબર, 2026

ભાવનગર અને મહુવા પંથકમાંથી 43.39 લાખની વીજચોરી ઝડપાઈ

વીજચોરીમાં પકડાયેલા આસામીના જોડાણ રદ કરી મીટર ઉતારી કાયદાકીય કાર્યવાહી કરાઈ

ભાવનગર તા. 17 : પીજીવીસીએલ ભાવનગર ડિવિઝન દ્વારા ભાવનગર શહેર ઉપરાંત જિલ્લાના મહુવા પંથકમાં વીજ ચેકીંગ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડ્રાઇવ દરમિયાન શહેર અને જિલ્લામાંથી કુલ રૂપિયા 43.39 લાખની વીજચોરી ઝડપાતાં ટીમે આ આસામીઓના જોડાણ રદ કરી મીટર ઉતારી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી.

 આજરોજ પીજીવીસીએલ ભાવનગર સર્કલના મહુવા વિભાગ દ્વારા શહેર હેઠળ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કામગીરીમાં બંદોબસ્ત કર્મીઓ સાથે કુલ 38 ટીમ જોડાઈ હતી.

  આ ટીમો દ્વારા મહુવા શહેરમાં તેમજ ગ્રામ્ય વિસ્તારના જેસર, બગદાણા, ટીટોડીયા, ગળથર, વાવડી, કરમદીયા, મોણપર સહિતના ગામડાઓમાં તેમજ ભાવનગર શહેરના કુંભારવાડા, અર્બન સોસાયટી, મોતીતળાવ, ડાયમંડ ચોક, ગાયત્રીનગર, જમનાકુંડ અને ઉલ્હાસનગર સહિતના વિસ્તારોમાં કુલ મળીને 473 કનેક્શનો ચકાસવામાં આવ્યા હતા. જેમાં 82 જોડાણોમાં ગેરરીતિઓ મળી આવતા આ જોડાણો કાપી વીજમીટર ઉતારી વીજચોરી કરનારા ગ્રાહકેને કુલ રૂપિયા 43.39 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક