દાઉદી પ્લોટમાં કચરાના ઢગલાથી લોકો પરેશાન; નાની કેનાલ રોડની પહોળાઈમાં ભેદભાવના આક્ષેપ સાથે કોંગ્રેસની રજૂઆત
મોરબી,તા.18 : શહેરમાં સફાઈની
સમસ્યા અને વિકાસકામોમાં ભેદભાવના આક્ષેપોને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
રવાપર રોડ પર દાઉદી પ્લોટની શેરી નંબર-1માં વર્ષોથી કચરાના ઢગલા દૂર ન થતાં રહીશોએ
તંત્ર સમક્ષ રજૂઆત કરી હતી. બીજી તરફ, વોર્ડ નંબર-9માં નાની કેનાલ રોડને આઈકોનિક રોડ
તરીકે વિકસાવવાની કામગીરીમાં નિયમોનું સમાન પાલન થતું ન હોવાનો આક્ષેપ કરી કોંગ્રેસે
મહાનગરપાલિકાનું ધ્યાન દોર્યું હતું.
ડાયમંડ બેકરી સામેની ગલીમાં લાંબા
સમયથી આસપાસની દુકાનોના લોકો સહિત કેટલાક વ્યક્તિઓ રાત્રિના સમયે કચરો નાખતા હોવાનો
સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. કચરાના ઢગલા અને મચ્છરોના ઉપદ્રવથી 200થી 300 મીટરના વિસ્તારમાં
દુર્ગંધ ફેલાતી હોવાથી રહીશોને અવરજવર કરવામાં મુશ્કેલી પડે છે. આ સ્થિતિથી આરોગ્ય
સામે પણ જોખમ ઊભું થયું છે.
સ્થાનિકોએ અધિકારી સોની સમક્ષ
લેખિત રજૂઆત કરી હતી. શરૂઆતમાં સ્થળે લારીઓ ઊભી રાખવાનો વિકલ્પ સૂચવાયો હતો, પરંતુ
સ્થાનિકોના વિરોધ બાદ આ નિર્ણય રદ થયો હતો. હવે રાત્રિના સમયે કચરો ફેંકાતો અટકાવવા
સિક્યુરિટી ગાર્ડ રાખવાનો નિર્ણય લેવાયો છે. જરૂર પડે પોલીસની મદદ લેવાની પણ ખાતરી
અપાઈ હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.
બીજી તરફ, શહેર કોંગ્રેસ પ્રમુખ
પુષ્પરાજાસિંહ જાડેજાની આગેવાનીમાં સ્થાનિકોએ આઈકોનિક રોડના કામમાં ભેદભાવનો આક્ષેપ
કર્યો હતો. સ્થાનિકોના જણાવ્યા મુજબ, સેન્ટર લાઈનથી બંને બાજુ 10-10 મીટર મળી કુલ
20 મીટરનો રોડ મંજૂર હોવાનું જણાવાયું હતું. હાઉસિંગ બોર્ડના રહીશોએ નોટિસ બાદ સ્વેચ્છાએ
દબાણો દૂર કર્યા હોવા છતાં હવે રોડની પહોળાઈ ઘટાડાતી હોવાનો તેમનો દાવો છે. મેયર ઉત્તમ
સુરાણીએ સ્પષ્ટતા કરી હતી કે, મંજૂર રોડ 18 મીટરનો છે, જ્યારે સિંચાઈ વિભાગે 20 મીટરનું
સંપાદન કર્યું હતું. ટીપીઓના રિપોર્ટ બાદ તપાસ કરીને નિયમ મુજબ કાર્યવાહી કરવાની ખાતરી
અપાઈ છે. સ્થાનિકોએ ન્યાયસંગત ઉકેલ નહીં આવે તો કોર્ટમાં પિટિશન અને ઉપવાસ આંદોલનની
ચીમકી આપી છે. કોંગ્રેસે પણ તેમને સાથ આપવાની જાહેરાત કરી છે.